News of Tuesday, 10th February 2026
ધરમનગરમાં બંધ મકાનમાંથી થયેલી ૧ાા લાખની ચોરીમાં મેહુલ, અતુલ પકડાયાઃ ગોપાલની શોધખોળ
યુનિવર્સિટી પોલીસે ઘરફોડ ચોરી, વાહનચોરીના ભેદ ઉકેલ્યા : વાહન ચોરીમાં રૈયાધારના ઉમેશ અને કિરણને પકડયાઃ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા અને ટીમની કામગીરીઃ પ્રતાપસિંહ મોયા, પ્રાદિત્યસિંહ, વિરદેવસિંહ તથા દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર-૧માં બંધ મકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી રૈયાધારના બે તસ્કરને ઝડપી લીધા છે. જ્યારે ત્રીજા શખ્સનું નામ ખુલ્યું છે.
ધરમનગરમાં-૧માં મકાન ધરાવતાં અરવિંદભાઇ દેવરાજભાઇ જેઠવા અને પરિવારજનો રેલનગરમાં બીજા મકાને હોઇ અહિ બંધ મકાનના તાળા તોડી ૧,૫૩,૦૦૦ની ચોરી કરવામાં આવી હતી. આ ગુનો ઉકેલવા ટીમ તપાસમાં હતી ત્યારે યુનિવર્સિટી ડી. સ્ટાફના હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, કોન્સ. પ્રાદિત્યસિંહ ઝાલાને બાતમી મળી હતી કે રૈયા ગામથી મેલડી માતાજીના મંદિર નારસ્તે જીજે૦૩બીએક્સ-૦૬૫૧ નંબરની રિક્ષામાં બે શખ્સ જાય છે અને તે ચોરીના ગુનામાં સામેલ છે. આ માહિતી પરથી બંનેને આંતરી પુછતાછ કરતાં પોતાના નામ મેહુલ પરષોત્તમભાઇ સોલંકી (ઉ.વ.૨૦-રહે. રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા સામે) તથા અતુલ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૨૦) તથા અતુલ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૨૦-રહે. રૈયાધાર મચ્છોનગર ક્વાર્ટર સામે) જણાવ્યા હતાં.
આ બંને પાસેથી પોલીસે રૂા. ૧૨ હજારની સોનાનો ઢાળ ચડાવેલી બુટી, ૩ હજારનો સિલીંગ પંખો, રૂા. ૫૦ હજારની રિક્ષા અને રોકડા ૭૦૪૦ કબ્જે કર્યા છે. આ બંનેની સાથે ત્રીજો શખ્સ રૈયાધારનો ગોપાલ હીરાભાઇ થારકીયા પણ સામેલ હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. મોજશોખ માટે આ ત્રણેયએ બંધ મકાનમાં ચોરી કરી હતી. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ સુખુભા, દિવ્યરાજસિંહ ટેમભા, વનરાજભાઇ લાવડીયા, પ્રવિણભાઇ જતાપરા, પ્રાદીત્યસિંહ ઝાલા, ધારાબેન મેઘાણીએ આ કામગીરી કરી હતી.
આ ઉપરાંત યુનિવર્સિટીની ટીમના વિરદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ટેમભા જાડેજાની બાતમી પરથી વાહન ચોરીનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો હતો. રૈયાધારથી બે શખ્સો નાણાવટી ચોક આવાસમાં રહેતાં ઉમેશ દિનેશભાઇ વાઘેલા અને રામાપીર ચોકડી પાસે રહેતાં કિરણ રમેશભાઇ સોલંકીને ચોરાઉ પ્લેટીના જીજે૦૩ઇજે-૬૪૧૩ સાથે પકડી લેવાયા છે. (૧૪.૯)
(2:55 PM IST)










