તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
વાવડીમાં નવો સ્વીમીંગ પુલ ફિટ રાજકોટ-હેલ્ધી રાજકોટના સંકલ્પને સાકાર કરશે : પ્રદિપ ડવ
સ્ટે. કમિટી દ્વારા પીપીપી ધોરણે વોર્ડ નં. ૧રમાં આધુનિક સ્નાનાગારનું નિર્માણ કરવા બજેટમાં જોગવાઇ ૧૦ લેન ધરાવતો મુખ્ય સ્વીમીંગ પુલ, બાળકો માટે અલગ પુલ, ચેન્જીંગ રૂમ, શાવર રુમ, લાઇફ ગાર્ડ સહિતની સુવિધા મળશેઃ પૂર્વ મેયર અને કોર્પોરેટર પ્રદિપ ડવ, મગનભાઇ સોરઠિયા, અસ્મિતાબેન દેલવાડિયા મિતલબેન લાઠીયાના પ્રયત્નો સફળ

રાજકોટઃ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧રમાં આવેલ વાવડી વિસ્તારમાં નાગરિકોને આધુનિક અને સુવ્યવસ્થિત રમતગમત સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર પી.પી.પી. ધોરણે સ્વિમિંગ પૂલ નિર્માણ કરવાનો પ્રસ્તાવ બજેટ વર્ષ દરમ્યાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવે છે.
આ અંગે પૂર્વ મેયર પ્રદિપ ડવે જણાવેલ કે પ્રસ્તાવિત સ્વિમિંગ પૂલ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેમાં ૧૦ લેન ધરાવતું આધુનિક મુખ્ય સ્વિમિંગ પૂલ, બાળકો માટે અલગથી સલામત અને સુવિધાયુક્ત સ્વિમિંગ પૂલ, ચેન્જિંગ રૂમ, શાવર રૂમ, લાઇફગાર્ડ વ્યવસ્થા તથા જરૂરી સહાયક સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ સલામતી અને જાળવણીની વ્યવસ્થા કરવામાં આવશે.
પી.પી.પી. મોડેલ અંતર્ગત જરૂરી જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણીની જવાબદારી ખાનગી ભાગીદાર દ્વારા નિભાવવામાં આવશે, જેથી રાજકોટ મહાનગરપાલિકા પર સીધો નાણાકીય ભાર ન આવે. આ પ્રોજેક્ટ નિર્માણ થકી શહેરના નાગરિકોને આધુનિક અને ગુણવત્તાસભર સ્વિમિંગ સુવિધા ઉપલબ્ધ થશે, બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધશે તથા સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળશે, ખાનગી ક્ષેત્રની ટેકનિકલ કુશળતા અને સંસાધનોના ઉપયોગથી ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે, શહેરમાં રમતગમતના માળખાગત વિકાસને ગતિ મળશે, તેમજ ફિટ રાજકોટ - હેલ્ધી રાજકોટના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
(3:14 PM IST)










