<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ભાજપનું બજેટ એટલે સફેદ હાથી સમાન, સામાન્‍ય જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ

માત્ર કાગળ પર યોજનાઓ, છેતરામણી વ્‍યાજ માફીની યોજના, ગેમઝોન અને કેફેટેરિયાના નામે જનતાની સુરક્ષા સાથે ચેડા : ડૉ. જાડેજા

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સખત શબ્‍દોમાં વગોવ્‍યું છે. તેમણે આ બજેટન‘સફેદ હાથી' સમાન અને સામાન્‍ય જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ગણાવ્‍યો છે.

ડૉ. રાજદીપસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં નીચે મુજબના મુખ્‍ય મુદ્દાઓ પર શાસક પક્ષને આડે હાથ લીધાછે. તેઓની અખબારી યાદિ આ મુજબ છે. માત્ર કાગળ પરની યોજનાઓ : સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ૨૩ નવી યોજનાઓની જાહેરાત કરી છે, પરંતુ ભૂતકાળના બજેટમાં પણ આવી અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ૧૦ કરોડના ખર્ચે રેસકોર્સના નવીનીકરણના નામે ફરી એકવાર કોન્‍ટ્રાક્‍ટરો અને મળતિયાઓને ફાયદો કરાવવાની પેરવી છે.

વ્‍યાજ માફીની યોજના એક ‘છેતરામણી' : રૂ. ૫ હજાર સુધીની વ્‍યાજ માફી એ મધ્‍યમ વર્ગ સાથે મજાક છે. એક બાજુ મોંઘવારીમાં પીસાતી જનતા પાસેથી મિલકત વેરો અને પાણી વેરો ઉઘરાવવામાં આવે છે અને બીજી બાજુ નજીવી રાહત આપીને વાહ-વાહી લૂંટવામાં આવે છે. કોંગ્રેસની માંગ છે કે સંપૂર્ણ વ્‍યાજ માફી અને વેરાના દરમાં ઘટાડો કરવો જોઈએ.

ગેમઝોન અને કેફેટેરિયાના નામે જનતાની સુરક્ષા સાથે ચેડાં : નાનામવા બ્રિજ નીચે PPP ધોરણે ગેમઝોન બનાવવાની દરખાસ્‍તનો વિરોધ કરતા ડૉ. જાડેજાએ જણાવ્‍યું હતું કે, અગાઉના કિસ્‍સાઓ જોતા ભાજપ સરકાર જનતાની સુરક્ષા કરતા કમાણી પર વધુ ધ્‍યાન આપી રહી છે. મહિલા પાસમાં ભેદભાવ : વાર્ષિક રૂ. ૧,૦૦૦માં પાસ આપવાની જાહેરાત આવકાર્ય લાગે પણ તે સીમિત શરતો સાથે લાવીને મહિલાઓને ભ્રમિત કરવામાં આવી રહી છે. હકીકતમાં મહિલાઓને મફત મુસાફરીનો લાભ આપવાની કોંગ્રેસની વિચારધારા સામે ભાજપ વેપાર કરી રહી છે. માળખાગત સુવિધાઓનો અભાવ : નવા બ્રિજ માટે સર્વેના નામે ખર્ચ કરવાને બદલે હાલના ખાડાબદ્ધ રસ્‍તાઓ, પીવાના શુદ્ધ પાણીની અછત અને ડ્રેનેજની ગંભીર સમસ્‍યાઓ ઉકેલવામાં આ બજેટ સાવ નિષ્‍ફળ નીવડ્‍યું હોવાનું યાદિના અંતમાં જણાવાયું છે. 

(3:41 PM IST)