<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

૧.૬૨ કરોડની ચાંદીની ચોરીમાં વધુ ૩૧ કિલો ચાંદી કબ્‍જે થઇઃ ક્રાઇમ બ્રાંચની ટીમ સુત્રધારને શોધવા એમપી પહોંચી

સામા કાંઠે ચંપકનગરમાં અતુલભાઇ બુસાના કારખાનામાં થયેલી ચોરીની તપાસમાં અમદાવાદ પોલીસે ૪૦ કિલો ચાંદી સાથે એકને પકડયા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચે બોટાદથી એકને દબોચતા સુત્રધારનું નામ સામે આવ્‍યું

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે ચંપકનગરમાં થયેલી રૂા. ૧ કરોડ ૬૨ લાખની ચોરીની ઘટનાનો ભેદ ખુલ્‍યો છે. અમદાવાદ પોલીસે એક શખ્‍સને ૪૦ કિલો ચાંદી સાથે મહેસાણામાંથી ઝડપી લીધા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચે બોટાદ પંથકમાંથી ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર સાથે રાજુ ભોજકને ઉઠાવી લીધો છે. તેની પુછતાછમાં સુત્રધાર તરીકે દાંતીવાડાના શખ્‍સનું નામ ખુલતાં અને તેનું પગેરૂ મધ્‍યપ્રદેશ તરફ મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્‍યપ્રદેશ પહોંચી છે.

 ચંપકનગરમાં ગઈ તા.૦૪ ને મોડી રાતે બે વાગ્‍યે રૂ. ૧,૬૨,૫૦,૦૦૦ના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્‍કરો ક્રેટા કારમાં નાસી છૂટયા હતાં. બનાવ અંગે રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ.વ.૩૯)એ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક તરફ એક આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી લીધો હતો. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમ બોટાદના જારીયાથી રાજુ ભોજકને ક્રેટા કાર સાથે શોધી લેવામાં સફળ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ ચોટીલાના લીસ્‍ટેડ બુટલેગર અને હાલ જેલ વાસ ભોગવી રહેલા ધરમસિંહના નામની ક્રેટા કાર ચોરી કરવા જવાના ઈરાદે તેની પાસેથી મેળવી હતી.

જે બાદ દાંતીવાડાના રતનસિંહ નામના હિસ્‍ટ્રીશીટર અને બુટલેગર સાથે મળી ચોરીનો પ્‍લાન બનાવ્‍યો હતો. જેમાં ક્રેટા કારનો ઉપયોગ કરવાનો તે પણ નક્કી થયું હતું. આ પછી  ક્રેટા કારમાં ત્રણ શખ્‍સો ચોરી કરવાં આવ્‍યા અને ચોરીને અંજામ આપી જાળીયા ગામે પહોંચ્‍યા ત્‍યાં કુલ પાંચ જણાએ રાજુના ઘરે ભાગ બટાઈ કરી હતી. જેમાં રાજુના ભાગે આવેલ ૩૧ કિલો ચાંદી ત્‍યાં રાખી બીજા ચાંદીના દાગીના લઇ બે જણો અમદાવાદ નીકળી ગયાં હતાં. આ બંનેને રાજુ ક્રેટા કારમાં જ અમદાવાદ મુકી આવી પરત ફર્યો ત્‍યાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધો હતો. ક્રાઈમ બ્રાન્‍ચે ૩૧ કિલો ચાંદી કબ્‍જે કરી મુખ્‍ય સૂત્રધારને પકડવા મધ્‍યપ્રદેશ તરફ એક ટીમને દોડાવી છે. અમદાવાદ અને રાજકોટ પોલીસે મળી કુલ ૭૧ કિલો ચાંદી કબ્‍જે કરી લીધી છે. સુત્રધાર ઝડપાયા બાદ બાકીના ચાંદીના દાગીના પણ કબ્‍જે થવાની પોલીસને આશા છે. 

 

(3:42 PM IST)