<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

હજારો વર્ષોના સંઘર્ષ, માતૃભૂમિ માટેની તડપ અને આધુનિક યુદ્ધકળાની અદભૂત દાસ્‍તાન એટલે ઈઝરાયેલનો ઈતિહાસ

ચારે તરફ દુશ્‍મનોથી ઘેરાયેલો હોવા છતાં અડીખમ ઉભેલો ‘પોલાદી દેશ': ઈઝરાયેલ મધ્‍યપૂર્વનો ઇતિહાસ અને યહૂદીઓનો સંઘર્ષ

મધ્‍યપૂર્વની ધરતી યહૂદી,ખ્રિસ્‍તી અને ઈસ્‍લામ એમ ત્રણેય સેમેટિક ધર્મોનું ઉદભવ સ્‍થાન છે. આ ત્રણેય ધર્મો એકેશ્વરવાદી છે અને તેમના ઈતિહાસ એકબીજા સાથે વણાયેલા છે. યહૂદી ધર્મ આશરે ત્રણ-ચાર હજાર વર્ષ જૂનો છે અને તેનો ઉદભવ ઈઝરાયેલના મૂળ પ્રદેશમાં જ થયો હતો.જેરુસલેમ યહૂદીઓનું પવિત્ર શહેર છે, જ્‍યાં તેમના રાજાઓનું શાસન હતું. જોકે, ઈતિહાસના ચક્રમાં યહૂદી પ્રજાએ અનેક આક્રમણો સહન કર્યા છે. ઈ.સ. પૂર્વે ૭૨૨માં એસેરિયનોથી લઈને બૈબીલોનિયન, રોમન અને ત્‍યારબાદ ઓટોમાન સામ્રાજ્‍ય સુધી અનેક શાસકોએ યહૂદીઓને તેમની માતૃભૂમિમાંથી નિષ્‍કાસિત કર્યા. સદીઓ  સુધી યહૂદીઓ યુરોપ, એશિયા અને આફ્રિકાના દેશોમાં શરણાર્થી તરીકે રહ્યા, પરંતુ તેમના દિલમાં હંમેશા પોતાના વતન ઈઝરાયેલમાં પાછા ંફરવાની તીવ્ર ઈચ્‍છા જીવંત રહી.

હોલોકોસ્‍ટ અને નવા રાષ્ટ્રનો ઉદય

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને નાઝી જર્મનીએ ૬૦ લાખ જેટલા ,યહૂદીઓની કતલેઆમ કરી, જે ઇતિહાસમાં હોલોકોસ્‍ટ તરીકે ઓળખાય છે. આ ભયાનક નરસંહાર પછી વિશ્વભરમાં યહૂદીઓ પ્રત્‍યે સહાનુભૂતિ જાગી. ૧૪ મે ૧૯૪૮ના રોજ યહૂદીઓએ પેલેસ્‍ટાઈનમાં ઈઝરાયેલ રાષ્ટ્રની સ્‍થાપના કરી. જોકે, આ જાહેરાતના બીજા જ દિવસે પાંચ આરબ દેશોએ ઈઝરાયેલ પર હુમલો કર્યો, પરંતુ નવોદિત ઈઝરાયેલે તેનો સજ્જડ સામનો કર્યો.

યુદ્ધો અને શાંતિ કરાર

૧૯૪૮ પછી પણ આરબ દેશો છે અને ઈઝરાયેલ વચ્‍ચે સંઘર્ષ ચાલુ રહ્યો. ૧૯૫૬માં સુએઝ કેનાલ સંકટા.. અને ત્‍યારબાદ ૧૯૬૭નું ઐતિહાસિકલ છ દિવસનું યુદ્ધ ખેલાયું. ૧૯૭૩માં-યોમ કિપ્‍પુરના પવિત્ર દિવસે ઈજિપ્ત અને સીરિયાએ ઓચિંતો હુમલો કર્યો, જેમાં શરૂઆતી પીછેહઠ બાદ ઇઝરાયલે વળતો પ્રહાર કરી બન્ને દેશોને હરાવ્‍યા. ૧૯૭૯માં ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્‍ચે કેમ્‍પ ડેવિડ સમજૂતી થઇ, જે મધ્‍યપૂર્વના ઈતિહાસનો મહત્‍વનો વળાંક હતો.

વર્તમાન સંઘર્ષ ઈરાન અને પ્રોક્‍સી વોર

૧૯૭૯માં ઈરાનમાં ઈસ્‍લામિક ક્રાંતિ બાદ સ્‍થિતિ બદલાઈ. ઈરાને વખાય ઈઝરાયેલ સામે સીધી લડાઈઓ પછી કરવાને બદલે ગાઝામાં હમાસ, લેબેનોનમાં હિઝબુલ્‍લા અને યમનમાં હું થી જેવા સંગઠનોને તૈયાર કરીને પ્રોક્‍સી વોર શરૂ કર્યું. ૭ ઓક્‍ટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર ભીષણ હુમલા કર્યા. ઈઝરાયેલે પોતાની આયર્ન ડોમ સિસ્‍ટમ અને આધુનિક મિસાઈલો દ્વારા ઈરાન અને તેના પ્રોક્‍સી સંગઠનોના હુમલાઓને નિષ્‍ફળ બનાવ્‍યા છે. આજે ઈઝરાયેલ એક મજબૂત લશ્‍કરી તાકાત તરીકે ઉભરી આવ્‍યું છે અને અમેરિકા તથા બ્રિટન જેવા દેશોનો તેને ખુલ્‍લો ટેકો છે.

મોસાદ - દુશ્‍મનોનો સાક્ષાત કાળ

ઈઝરાયેલની જાસૂસી સંસ્‍થા મોસાદના પરાક્રમો વિશ્વભરમાં જાણીતા છે. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના નરસંહાર માટે જવાબદાર એડોલ્‍ફ આઈકમેનને આર્જેન્‍ટિનામાંથી શોધી કાઢીને ફાંસી આપવામાં આવી હતી. ર ૧૯૭૬માં એર ફ્રાન્‍સના વિમાનનું અપહરણ કરીને યુગાન્‍ડાના એન્‍ટેબે એરપોર્ટ પર લઈ જવાયું હતું.

ત્‍યારે ઈઝરાયેલે ૪૦૦૦ કિમી દૂર કમાન્‍ડો ઓપરેશન કરીને ૧૦૨ બંધકોને છોડાવ્‍યા હતા. આ ઓપરેશનમાં હાલના વડાપ્રધાન નેતન્‍યાહુના ભાઈ ર યોનાટન શહીદ થયા હતા. તાજેતરમાં સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં લેબેનોનમાં હિઝબુલ્‍લાના આતંકીઓ જે પેજર અને વોકીટોકી વાપરતા હતા તેમાં સાયબર એટેક દ્વારા બ્‍લાસ્‍ટ કરીને મોસાદે હજારો આતંકીઓને અપંગ બનાવી દીધા હતા.

માત્ર ૬ દિવસનું યુદ્ધ અને અસ્‍તિત્‍વનો સવાલ

૧૯૬૭માં ઈજિપ્ત, જોર્ડન અને સીરિયાએ ઈઝરાયેલને નકશા પરથી મિટાવી દેવાની તૈયારી કરી હતી. જોકે, ઈઝરાયેલે પહેલા જ પ્રહાર કરીને માત્ર ૬ દિવસમાં ત્રણેય દેશોને હરાવી દીધા હતા. આ યુદ્ધના નાયક જનરલ મોસે દાયાન હતા જેમણે એક આંખ ગુમાવી હોવા છતાં સેનાનું નેતૃત્‍વ કર્યું હતું. જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે તમે આટલા મોટા દેશોને કેવી રીતે હરાવ્‍યા? ત્‍યારે તેમણે કહ્યું હતું કે, તેમના માટે આ માત્ર એક યુદ્ધ છે, જ્‍યારે અમારા માટે આ અમારા અસ્‍તિત્‍વનો સવાલ છે. આ યુદ્ધમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી, વેસ્‍ટ બેંક અને પૂર્વ જેરુસલેમ પર કબજો કર્યો હતો.

નાનકડો દેશ પણ સિદ્ધિઓ મહાન

વિસ્‍તારઃ ઈઝરાયેલનો વિસ્‍તાર આપણા કેરળ રાજ્‍ય કરતા પણ નાનો છે. દક્ષિણમાં આવેલું નેગેવ રણ અડધોઅડધ ભાગ રોકે છે.

ખેતીઃ પાણીની અછત હોવા છતાં ટપક સિચાઈ પદ્ધતિથી ઈઝરાયેલ અનાજ અને ફળોનું ભરપૂર ઉત્‍પાદન કરે છે અને નિકાસ પણ કરે છે.

લશ્‍કરઃ દેશના દરેક સક્ષમ નાગરિક માટે વર્ષમાં એક મહિનાની લશ્‍કરી તાલીમ ફરજિયાત છે. સંસદના વિરોધ પક્ષના નેતાઓ પણ યુદ્ધ સમયે યુનિફોર્મ પહેરીને મોરચે લડવા જાય છે.

ટેકનોલોજીઃ ડ્રોન ટેકનોલોજી, મિસાઈલ ડિફેન્‍સ અને જાસૂસી સાધનોમાં ઈઝરાયેલવિશ્વમાં અગ્રણી છે. (૩૮.૨૧)

આલેખનઃ

આર.બી.ગણાત્રા

રાજકોટ. મો.૯૪૨૮૨ ૦૨૦૩૯

(11:33 AM IST)