તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 11th February 2026
લાલપરીમાં ઘરધણીની હાજરીમાં ત્રાટકેલા તસ્કરો ૨૬ હજારની રોકડ ચોરી ગયા
ભાવનાબેન સવાસડીયાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસ દ્વારા તપાસઃ રોડ પરના દરવાજાની સ્ટોપર તોડી ચોર અંદર ઘુસ્યા

રાજકોટ તા. ૧૧: શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી મેઈન રોડ વિસ્તારમાં એક મકાનમાં ચોરીનો બનાવ બન્યોછે. કેટરિંગમાં રસોઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક મધ્યમવર્ગીય મહિલાના ઘરમાં ત્રાટકી ચોર કબાટમાંથી બચતના રોકડા રૂપિયા ૨૬,૦૦૦ ચોરી ગયા છે. તેઓ ઘરમાં જ સુતા હતાં ત્યારે ચોર ત્રાટક્યા હતાં.
આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે લાલપરી મેઈન રોડ પર શબરીભાઈની દુકાન સામે રહેતા ભાવનાબેન નારણભાઈ સવાસડીયા (ઉ.વ. ૪૫)ની ફરિયાદ નોંધી છે. ભાવનાબેન તા. ૯ના રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં તેમના દિયરની દીકરી ધારીકા સાથે ઘરમાં દરવાજો બંધ કરીને સુતા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે જાગ્યા ત્યારે તેમને ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં લાઈટ ચાલુ કરીને જોતા કબાટમાં રાખેલા કપડાં અને તોરણો રૂમમાં વેરવિખેર પડેલા હતા અને કબાટનું ખાનું પણ નીચે પડેલું હતું. ભાવનાબેને તપાસ કરતા કબાટમાં રાખેલા તેમના મહેનતના અને બચત કરેલા રોકડા રૂ. ૨૬,૦૦૦ ગાયબ હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તસ્કરો મેઈન રોડ તરફના દરવાજાની ઉપરની સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં સુતેલા સભ્યોને જાણ ન થાય તે રીતે તીજોરીમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરી તપાસ કરી રહ્યા છે.
(2:11 PM IST)










