<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભાવનગરના વિડીયોગ્રાફર વનરાજસિંહ જાડેજાનું રાજકોટ જંકશન સ્‍ટેશને હૃદય બેસી જતાં મોત

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ... પત્‍નિ, માતા, પિતા સાથે લગ્નપ્રસંગ પતાવી ખીરી ગામેથી ભાવનગર જતા હતાં: રાજકોટ ટ્રેન હોલ્‍ટ થતાં ચા-નાસ્‍તો લેવા ઉતર્યા ને ઢળી પડયાઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૧: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે ગમે ત્‍યાં આવી જતો હોય છે. આવી જ એક ઘટના રાજકોટના જંકશન રેલ્‍વે સ્‍ટેશન પર બની છે. ભાવનગર રહેતાં વિડીયોગ્રાફર જામનગર પંથકના ગામે લગ્ન પ્રસંગ આટોપી પોતાના ધર્મપત્‍નિ અને માતા-પિતા સાથે ટ્રેન મારફત ભાવનગર જઇ રહ્યા હતાં ત્‍યારે રાજકોટ સ્‍ટેશને ટ્રેન હોલ્‍ટ થતાં ચા-નાસ્‍તો લેવા ઉતર્યા ત્‍યારે હૃદય રોગનો હુમલો આવી જતાં જિંદગીની સફરનો અંત આવી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભાવનગરમાં પ્રેસ કોલોની ક્‍વાર્ટરમાં રહેતાં વનરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૪૮) રાતે સાડા નવેક વાગ્‍યે રાજકોટ જંકશન રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર-૧ ઉપર હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને સારવાર દરમિયાન મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે કરતાં રેલ્‍વે પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વનરાજસિંહ બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. પોતે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીનું કામ કરતાં હતાં. જામનગરના ખીરી ગામે કુટુંબમાં લગ્ન પ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા માટે તેઓ પોતાના પત્‍નિ અને માતા-પિતા સાથે ત્‍યાં ગયા હતાં. ગઇકાલે પ્રસંગ પુરો થતાં જામનગરથી ટ્રેન પકડી ભાવનગર જવા નીકળ્‍યા હતાં. પરંતુ રાજકોટ ખાતે હૃદય રોગનો હુમલો આવી જતાં તેમની જિંદગીની સફરનો અહિ જ અંત આવી ગયો હતો. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:48 PM IST)