News of Wednesday, 11th February 2026
બીગબજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ૧૨ કરોડના ખર્ચે ફુટ બ્રિજઃ ટેન્ડર પ્રસિધ્ધ
૧૫૦ ફુટ રીંગ રોડ પર ચાલતા પગપાળા જતા રાહદારીઓને ટ્રાફ્રિકમાંથી મળશે મુકિત પીપીપી ધોરણે પાંચવર્ષ મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે કામ અપાશે ટ્રાફીકથી ધમધમતા શહેરના ૧૫૦ફુટ રીંગ રોડ પર પગપાળા જનારા રાહદારીઓ માટે બીગબજાર અને અમીનમાર્ગ કોર્નર પાસે બનનાર ફુટબ્રીજની તસ્વીરી એકઝલક

રાજકોટ તા.૧૧: મનપા દ્વારા શહેરમાં ૧૫૦ ફૂટ રીંગરોડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફૂટઓવરબ્રિજ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર ઉપર રૂા.૧૨ કરોડના ખર્ચે પીપીપી ધોરણે બ્રિજ તૈયાર કરી એજન્સીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ટ્રાફિકથી ધમધમતા ડિવાઇડરો ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવા તરફ પ્રયાણ કર્યુ છે. આ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર કે જયા પગપાળા શહેરીજનોનો વધુ ટ્રાફિક રહે છે. તેવા બીગબજાર સર્કલ ખાતે ૧ ફૂટ ઓવર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવી જ રીતે અમીન માર્ગ તરફથી આવતા શહેરીજનોને કાલાવડ રોડ તરફ જવા માટે બીગબજાર સર્કલ થઇને ફરવુ પડતુ હોય અમીન માર્ગ રોડના કોર્નર ઉપર એક ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. મનપાના બાંધકામ ખાતામાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ૧૫૦ ફૂટ રીંગરોડ પર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર પર રૂા.૧૨ કરોડના ખર્ચે બે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બંન્ને પ્રોજેકટ સંપૂર્ણ પણ પીપીપી ધોરણે હાથ ધરાશે. એજન્સીને બંન્ને સ્થળ ઉપર જગ્યા ફાળવવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરી પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવાનુ રહેશે. એજન્સી દ્વારા બંન્ને ફૂટ ઓવર બ્રિજ પર ૨૨ ગ્રેન્ટ્રી ર્હોડિંગ તથા બેનર લગાવી આવક ઉભી કરવામાં આવશે. હાલ બંન્ને બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નવા બજેટમાં મોટાભાગના પ્રોજેકટ પીપીપી હેઠળ આવરી લેવામાં આવતા બંન્ને ફૂટ ઓવર બ્રિજનું પણ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
(3:53 PM IST)










