News of Thursday, 12th February 2026
LIC કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી સજજડ હડતાલ
મજૂર કાયદાઓમાં સુધારા-ખાનગીકરણના વિરોધમાં રાજકોટ-સૌરાષ્ટ્રભરમાં કર્મચારીઓના દેખાવો

રાજકોટ તા.૧૨: કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ તથા દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં દેશના રાષ્ટ્રીય સ્તરના ટોચના ૧૦ કર્મચારી સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી હડતાલના આપેલા અનુસાર આજે ગુરુવારે રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રભરના કર્મચારીઓએ સજ્જડ હડતાલ પાડી કેન્દ્ર સરકારની નીતિ સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. હડતાલના પ્રારંભે કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચાર કરી વાતાવરણ ગજવી મૂકયું હતું. કર્મચારીઓ કામથી અળગા રહેતા કચેરીની કામગીરીને વ્યાપક રીતે અસર થઈ હતી.
LIC કર્મચારીઓના રાષ્ટ્રીયસ્તરના ટોચના યુનિયન ‘‘ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિયેશન''ના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ અને વેસ્ટર્ન ઝોનના જનરલ સેક્રેટરી હર્ષદભાઈ પોપટે જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં બેકિંગ ક્ષેત્ર તથા LICના રાષ્ટ્રીય સ્તરના ટોચના અગ્રણી કર્મચારી યુનિયનો AIBEA,AIIEA,AILICEF,AIBOA,BEFT સહિત અન્ય સ્વતંત્ર ફેડરેશનો તથા સંગઠનોના કર્મચારીઓ જોડાયા છે. સરકારે મજૂર સંબંધી કાયદાઓમાં કોર્પોરેટ ગળહોને લાભ થાય અને કર્મચારીઓ તથા મજદૂરોનું હિત જોખમાય તેવા જે સુધારા કર્યા છે તેની સામે કર્મચારીઓ તથા મઝદૂરોમાં ભારે રોષ આક્રોશ વ્યાપી ગયો છે. માત્ર ગણ્યા ગાંઠિયા કોર્પોરેટ ગળહોને જ ફાયદો થાય તેવી કેન્દ્ર સરકારની આર્થિક નીતિના વિરોધમાં તથા જાહેર સાહસોનું ખાનગીકરણ કરી ઉદ્યોગગળહોને પધરાવી દેવાની તજવીજના વિરોધમાં દેશના ટોચના કર્મચારી યુનિયનો દ્વારા આ હડતાલનું એલાન અપાયું હતું.
આ હડતાલની વિવિધ માગણીઓમાં એલ.આઇ.સી કચેરીઓમાં વર્ગ ૩ તથા ૪ ની ખાલી પડેલી હજારો જગ્યાઓની ભરતી કરવા, LICનો IPO માર્કેટમાં ફરી લાવી સરકારના હિસ્સાનું વેચાણ કરવાની તજવીજના વિરોધમાં તથા એલ.આઇ.સી શાખાઓના બિલ્ડીંગના પ્રશ્નો તથા કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથેના વિવિધ મુદ્દા વણી લેવામાં આવ્યા છે. (૭.ર૪)
(2:50 PM IST)










