<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

અમે નવરા નથી અમારે પ૦ પ્રકારના કામ છે : રાજુ કરપડાના આપ નેતાઓ ઉપર પ્રહારો : જુઓ વિડિયો

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વાયા વાયા ફોન કરીને પોતાના પક્ષમાં જોડાવા માટે કહી રહયા છે જેલમાં લાંબો સમય રહયા છતાં આપના નેતાઓએ વકીલોને મળવા પણ ન મોકલ્‍યા : ખેડુત હિતની વાત કરશે તેની સાથે જોડાઇશ, તે સતા પક્ષ હશે કે વિપક્ષ

રાજકોટ, તા., ૧૨ : આમ આદમી પાર્ટીમાંથી ગઇકાલે રાજીનામુ આપ્‍યા બાદ આમ આદમી પાર્ટીના પુર્વ હોદેદાર અને ખેડુત નેતા રાજુ કરપડાએ આજે પત્રકાર પરીષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

રાજુ કરપડાએ જણાવ્‍યું હતું કે, અમે લાંબો સમય સુધી જેલમાં હતા છતાં પણ આમ આદમી પાટીના કોઇ પ્રદેશ કે અન્‍ય નેતાઓ અમને મળવા આવ્‍યા નથી. અમારા પરીવાર દ્વારા મેસેજ આપવા છતા કોઇ વકીલને પણ મોકલવામાં આવ્‍યા ન હતા.

રાજુ કરપડાએ આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે, અમારા પરીવાર દ્વારા જયારે આમ આદમી પાર્ટીના મનોજ સોરઠીયાને ફોન કરીને કહેવામાં આવ્‍યું કે, કોઇ વકીલને મોકલીને જામીન માટે વાતચીત કરો તો તેઓ દ્વારા જણાવાયું કે અમે નવરા નથી, અમારે પ૦ પ્રકારના કામ છે. આવી વાત ઇશુદાન ગઢવી અથવા તો અન્‍ય કોઇ પ્રદેશના નેતાઓના કહેવાથી મનોજ સોરઠીયાએ કરી હતી.

રાજુ કરપડાએ જણાવ્‍યું હતું કે, અમે જયારે જેલમાં ગયા ત્‍યારે કહેવામાં આવ્‍યું હતું કે, થોડા સમયમાં જ તમે જેલમુકત થઇ જશો. આ માટે હાઇકોર્ટના સારા વકીલ આમ આદમી પાર્ટી રોકશે તેમ છતા પણ કોઇ વકીલને અમારો કેસ સોંપવામાં આવ્‍યો ન હતો. મદદ કરવાના બદલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ નિષ્‍ક્રીય રહયા હતા અને અમે લાંબો સમય જેલમાં રહીએ તેવું તેઓ ઇચ્‍છતા હોય તેવું લાગી રહયું હતું.

રાજુ કરપડાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ર૦ર૧ થી ર૦રપ સુધી હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો રહયો હતો અને ખેડુતોનો અવાજ ઉઠાવતો રહયો હતો. પરંતુ જયારે હું અને નિર્દોષ ખેડુતો જેલમાં ગયા ત્‍યારે આમ આદમી પાર્ટીના કોઇ પણ નેતા અમને છોડાવવા માટે પ્રયત્‍નશીલ રહયા ન હતા અને અમારી પાછળ કોઇ ગેઇમ પ્‍લાન ચાલુ હોય તેવું લાગતું હતું.

રાજુ કરપડાએ વધુમાં જણાવ્‍યું કે, સતા પક્ષ કે વિપક્ષ જે ખેડુતોનો અવાજ સાંભળશે તેને અમે સમર્થન આપીશું, અથવા તો બીન રાજકીય રીતે ખેડુતોનો અવાજ સતત ઉઠાવતા રહેશું.

(3:58 PM IST)