તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th February 2026
ફકત ઍક અઠવાડિયામા ૨૯ વોન્ટેડ આરોપીઓને ફરી જેલમાં ધકેલી દેવાયા
ગંભીર ગુન્હાના આરોપી પેરોલ રજા પર ગયા પછી, પાછા ફરતા ન હોવાના આંક નિહાળી ચોકી ઉઠેલ મુખ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે વિશેષ અભિયાન શરૂ કરવા ગુજરાત પોલીસને તાકીદના આદેશ આપ્યા હતા

રાજકોટ, તા. ૧રઃ ગંભીર ગુન્હાના જેલમાં રહેલ આરોપીઓને નિયમ મુજબ પેરોલ પર છોડ્યા પછી તેઓ તેમની રજા પૂર્ણ થયા પછી જેલમાં હાજર થવાના બદલે ફરાર રહેતા હોવાની બાબતને રાજ્યના મુખ્ય પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા સાથે જ શિસ્તના ખૂબ આગ્રહી એવા ડો કે. એલ.એન.રાવ દ્વારા ગંભીર ગણી આ માટે એક વિશેષ અભિયાન ચલાવવા સૂચના આપેલ, જે અભિયાનને ગણતરીના દિવસોમાં પ્રારંભથી જ મોટી સફળતા મળી છે.
તારીખ ૨૭ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધીમાં એક સપ્તાહમાં આવા ૨૯ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ડ્રાઈવ દરમિયાન ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ લાંબા સમયથી પેરોલ-ફર્લો રજા પરથી ફરાર રહેલા આરોપીઓને શોધી કાઢી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમોએ આધુનિક ટેકનોલોજી, લોકલ ઈન્ટેલિજન્સ તથા ફિલ્ડ સ્ટાફની મદદથી અસરકારક રીતે ફરાર આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ કામગીરી દરમિયાન ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા કુલ-૨૯ આરોપીઓની ધરપકડ કરી તેમને ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુનાહિત પ્રવળત્તિઓ પર નિયંત્રણ લાવવાની દિશામાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસની આ કામગીરીથી સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે તેમજ ગુનેગારોમાં ભય અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. ગુજરાત પોલીસ જનસામાન્યની સલામતી માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં પણ ગુનાખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે
(3:44 PM IST)










