News of Friday, 13th February 2026
અશાંતધારાના નવા નોટિફિકેશનમાં અનેક રેવન્યુ-સિટી સર્વે નંબરો રહી જતા દેકારોઃ ૧૫૦થી ૨૦૦ અરજીઓ ૬થી ૮ મહિનાથી પેન્ડીંગ
રાજકોટ રેવન્યુ બાર એસો. ઉકળી ઉઠયું: કલેકટરને વિસ્તૃત આવેદનઃ વિદેશથી દસ્તાવેજ કરવા આવતા-લોન લેનારા અરજદારોમાં ભારે દેકારો : રહી ગયેલા સર્વે નંબરો અંગે યોગ્ય કરો પેન્ડીંગ અરજીઓ અંગે જવાબદાર કચેરીઓને તાકિદે આદેશો આપવા માંગણી

રાજકોટઃ રાજકોટ રેવન્યુ બાર એશો. દ્વારા અશાંતધારા, પેન્ડીંગ અરજીઓ અંગે રાજકોટ કલેકટરને વિસ્તૃત આવેદન આપી રજૂઆતો કરાઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩.૧૬)
રાજકોટ, તા.૧૩: રાજકોટ શહેરમાં મિલકતની લે-વેચ માટે અત્યંત મહત્વના ગણાતા‘અશાંત ધારા' ના અમલીકરણમાં સર્જાયેલી વહીવટી ગુંચવણને કારણે સેંકડો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. જાન્યુઆરી-૨૦૨૬ના નવા નોટિફિકેશનમાં અનેક રેવન્યુ અને સિટી સર્વે નંબરો રહી ગયા હોવાના આક્ષેપ સાથે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં ઉમેરાયું છે કે,વર્ષ ૨૦૨૧ના નોટિફિકેશન હેઠળ આવરી લેવાયેલા અનેક વિસ્તારો જાન્યુઆરી-૨૦૨૬ના રીન્યુઅલ નોટિફિકેશનમાં જોવા મળતા નથી, જેને કારણે મિલકત ધારકોમાં ભારે મૂંઝવણ છે. અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલી અરજીઓ હાલ કોઈપણ ઓર્ડર વિના પેન્ડિંગ પડી છે. જૂન-૨૦૨૫ થી ફાઈલ થયેલી અરજીઓ પર પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.અશાંત ધારાની મંજૂરી વિના દસ્તાવેજ નોંધણી શકય નથી. જેને કારણે ઘણા કિસ્સામાં બેંક લોન મંજૂર થઈ હોવા છતાં ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે.
વકીલ મંડળની માગણીઓ
૧. નવા નોટિફિકેશનમાં રહી ગયેલા સર્વે નંબરો અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે. ૨. પેન્ડિંગ અરજીઓનો વહેલી તકે નિકાલ કરવા સંબંધિત કચેરીઓને આદેશ અપાય. ૩. મિલકત વ્યવહારોમાં પારદર્શિતા જાળવવા વહીવટી તંત્ર તાકીદે હસ્તક્ષેપ કરે.રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય આર. તોગડિયાએ જણાવ્યું હતું કે, જો આ બાબતે ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે તો અનેક લોકોના નાણાકીય રોકાણો જોખમાઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે કલેક્ટર તંત્ર આ ગૂંચ ઉકેલવા માટે કેટલી ઝડપ બતાવે છે.
આવેદનમાં ઉમેરાર્યુ હતું કે, અશાંત ધારાનો ઓર્ડર થયા વિના દરસ્તાવેજ નોંધણી શકય નથી. પરિણામે પક્ષકારોને ભારે આર્થિક અને વ્યવહારૂ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ઘણા પક્ષકારો વિદેશ અથવા બહારગામથી આવતા હોવાથી મુસાફરી ખર્ચ અને સમય બગડે છે. કેટલાક કેસોમાં હોમ લોન મંજૂર થયેલ હોવા છતા ઓર્ડર વિલંબિત થતા ટ્રાન્ઝેકશન અટકી જાય છે. કારણે અરજદારોમાં અસંતોષ અને ગેરસમજ ઊભી થાય છે.
આવેદન દેવામાં રમેશભાઇકથિરીયા વિજયભાઇ તોગડીયા તથા અન્ય ૩૦થી ૩૫ આગેવાન વકિલો જોડાયા હતા. (૩.૧૫)
(2:46 PM IST)










