News of Friday, 13th February 2026
અમરજીતનગરના ૪૦ વર્ષિય કલ્પેશભાઇ રાઠોડનું મોતઃ ખાનગી હોસ્પિટલના તબિબની બેદરકારીનો આક્ષેપ
૧૦મીએ મોવૈયાના પાર્ટી પ્લોટમાં કેટરીંગ કામ વખતે વિજકરંટ લાગતાં પડી જવાથી માથામાં હેમરેજની અસર થઇ હતી : રાતે બે વાગ્યે ઓપરેશન માટે બે લાખ ભરવાનું કહી પૈસા ન હોય તો દર્દીને સિવિલમાં લઇ જવાનું કહેવાયાનો પરિવારજનોનો આક્ષેપઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ બનાવથી બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારજનોમાં ગમગીની : ન્યાયી કાર્યવાહી થાય પછી જ મૃતદેહ સંભાળવાનો નિર્ણયઃ હોસ્પિટલે વાલ્મિકી સમાજના લોકો એકઠા થયા

કલ્પેશભાઇ રાઠોડનો ફાઇલ ફોટો, તેનો નિષ્પ્રાણ દેહ અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સગા સ્વજનો, વાલ્મિકી સમાજના લોકો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૩: શહેરના જુના એરપોર્ટ રોડ પર અમરજીતનગર-૩માં રહેતાં કલ્પેશભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) નામના યુવાનને ગત ૧૦મીએ ગોડલના મોવૈયા ગામે પાર્ટી પ્લોટ ખાતે વિજકરંટ લાગતાં પડી જતાં ઇજા થઇ હતી. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ અહિ ઓપરેશન માટે બે લાખ ભરો અથવા દર્દીને લઇ જાઓ તેમ કહી દેવામાં આવતાં દર્દીના સગાએ પોતે સવારે પૈસા ભરશે તેમ કહેતાં દર્દીને સિવિલમાં લઇ જવાનું કહેવામાં આવતાં અહિ લાવવામાં આવતાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ખાનગી હોસ્પિટલના તબિબ, સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કરી પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને ન્યાયી કાર્યવાહી થાય પછી જ લાશ સંભાળશું તેમ કહ્યું હતું.
જાણવા મળ્યા મુજબ અમરજીતનગરમાં રહેતાં કલ્પેશભાઇ રાઠોડ-વાલ્મિકી તા. ૧૦/૨ના રોજ રાતે દસેક વાગ્યે મોવૈયા ગામે હેરીટેજ પાર્ટી પ્લોટ ખાતે કેટરીંગના કામમાં ગયેલ ત્યારે વિજકરંટ લાગતાં પડી જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તેને શોર્ટ લાગવાથી હેમેરેજ થયાનો રિપોર્ટ આવ્યો હતો. બાદમાં તેને બીજી એક ખાનગી હોસ્પિટલ કે જે નાના મવા રોડ પર છે ત્યાં લઇ જવાયેલ. ત્યાંથી આજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. આથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર કલ્પેશભાઇ કેટરીંગમાં કામ કરવા સાથે આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પણ નોકરી કરતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. તેમના કુટુંબીજનો, સગા સ્વજનોએ આક્ષેપો સાથે કહ્યું હતું કે કલ્પેશભાઇને છેલ્લે જ્યાં દાખલ કરેલ તે ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કાનના ૧૯ હજાર લીધા હતાં. પછી બીજા ૬૩ હજાર અમને ભરવાનું કહેતાં અમે ભરપાઇ કરી દીધા હતાં. ત્યારબાદ રાતે બે વાગ્યે અમને કહેવાયું હતું કે એટેકને કારણે મગજમાં અસર થઇ છે અને ઓપરશેન કરવું પડશે અને તેના બે લાખ ભરવા પડશે. પણ અમે અત્યારે રાતે વ્યવસ્થા નહિ થાય, સવારે પૈસા ભરશું તેમ કહેતાં અમને દર્દીને સિવિલમાં લઇ જવાનું કહી દેવાયુ હતું. સવારે અમે કલ્પેશભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતાં તેમને અહિ મૃત જાહેર કરાયા હતાં.
મૃતકના સગા સ્વજનો, વાલ્મિકી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીથી કલ્પેશભાઇનું મૃત્યુ થયું છે. અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી છે. જવાબદાર સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી અમે મૃતદેહ સંભાળશું નહિ. આ બનાવ અંગે વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ કરી રહી છે. (૧૪.૧૩)
(2:46 PM IST)










