તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
કાલે મનપા દ્વારા ચાણકય પુસ્તકાલય ખાતે ‘સેમ બહાદુર' મૂવી શોઃ શહીદોને પુષ્પાંજલિ
પેડક રોડ સ્થિત ગોવિંદબાગ સામે લાયબ્રેરીમાં પ્રેરણાદાયી આયોજન

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નં.-૬ વિસ્તારમાં આવેલી ચાણકય પુસ્તકાલય, ગોવિંદબાગ સામે, ત્રાસીયો રોડ, પેડક રોડ, રાજકોટ ખાતે કાલે તા.૧૪ ના રોજ શનિવારે સવારે ૧૦: ૦૦ કલાકે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં ૧૪ ફેબ્રુઆરીને ‘બ્લેક ડ' (કાળો દિવસ) તરીકે મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં આ જ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં CRPFના ૪૦ બહાદુર જવાનો શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં તથા તેમના અદમ્ય સાહસ અને રાષ્ટપ્રેમને નમન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ‘શહીદોને પુષ્પાંજલિ' અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દેશભક્તિની ભાવના મજબૂત બને તથા નાગરિકોમાં રાષ્ટ્રસેવાની પ્રરણા પ્રગટે તે હેતુસર પ્રેરણાદાયી હિન્દી ફિલ્મ સેમબહાદુર નો વિશેષ મૂવી શો પણ યોજવામાં આવશે. આ ફિલ્મ ભારતના પ્રખ્યાત સૈન્ય અધિકારી ફિલ્ડ માર્શલ સામ માણેકશો ના જીવન પર આધારિત છે, જેઓએ ભારતીય સેનામાં અપ્રતિમ યોગદાન આપ્યું હતું. ફિલ્મ દ્વારા દેશપ્રેમ, શૌર્ય અને નેતળત્વના ઉત્તમ મૂલ્યો અંગે પ્રેરણા પ્રાપ્ત થાય છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહીદોની અપરંપાર બલિદાનને યાદ કરવો, યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવી તથા સમાજમાં રાષ્ટ્રપ્રેમનું સંદેશ પ્રસારિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. રાજકોટ શહેરના તમામ નાગરિકોને આ અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા મૂવી શોનો લાભ લેવા મનપાએ આમંત્રણ પાઠવ્યું છે. (૩.૧૮)
(3:42 PM IST)










