તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
મનહરપ્લોટમાં અખબારી એજન્ટ જીતેન્દ્રભાઇ પતરીયાનો આર્થિક ભીંસને કારણે આપઘાત
ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું: બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: મનહરપ્લોટમાં રહેતાં અખબારના એજન્ટ, વિતરક આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવામાં કલ્પાંત સર્જાયો છે. આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ મનહરપ્લોટ શેરી નં. ૬માં રહેતાં જીતેન્દ્રભાઇ માણેકલાલ પતરીયા (ઉ.વ.૪૫)એ વહેલી સવારે ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારના કોઇ સ્વજન વહેલી સવારે જાગ્યા ત્યારે જીતેન્દ્રભાઇને લટકતાં જોતાં દેકારો મચાવી દીધો હતો. ૧૦૮ને જાણ થતાં પાઇલોટ-તબિબ પહોંચ્યા હતાં. તબિબે જીતેન્દ્રભાઇને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં એ-ડિવીઝન પોલીસનો સ્ટાફ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
જીતેન્દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે અખબારી એજન્ટ, વિતરક તરીકે કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હોઇ તેના કારણે પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.
(2:45 PM IST)










