<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જેનીશ મહાજન અને સદામે રૈયાધારમાં વેપારીને ધમકાવી દૂકાનમાં તોડફોડ કરી

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પર બોટલો ફેંકતા પોલીસે દબોચી સરઘસ કાઢયું તેની કોઇ અસર નહિ!? પહેલા કહ્યું પૈસા પછી આપી જઇશ, પછી કહ્યું-અમારી પાસે પૈસા માંગીશ તો જાનથી મારી નાંખશું: સાગરભાઇ પરમારની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ સદામ ઉર્ફે ભુરો સકંજામાં

રાજકોટ તા. ૧૪:  શહેરના રૈયાધાર વિસ્‍તારમાં આવેલી એક દુકાને સોડા અને પાણીની બોટલ લીધા બાદ વેપારીને પૈસા માંગતા બે નામચીનની છાપ ધરાવતાં શખ્‍સોએ ધમાલ મચાવી વેપારી સાથે ઝપાઝપી કરી તેની દુકાનમાં તોડફોડ કરી માથે જતાં મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે માધાપર ચોકડી સુંદરમ્‌ સોસાયટી શેરી નં. ૨માં રહેતાં અને રૈયાધાર ખાતે શ્રેય સીઝન શોપીંગ સેન્‍ટર ચલાવતાં વેપારી સાગરભાઇ વલ્લભભાઇ પરમાર (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી તાજેતરમાં જ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પર સોડા બોટલોના ઘા કરનારા જેનીશ મહાજન અને સદામ ઉર્ફ ભુરો વિરૂધ્‍ધ ગુનો નોંધી સદામને સકંજામાં લીધો છે. જેનીશ અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

જેનીશભાઇની ફરિયાદ મુજબ ગત ૯મીના રોજ રાત્રે આશરે ૧૧ વાગ્‍યાના અરસામાં સાગરભાઈ પોતાની દુકાને હાજર હતા ત્‍યારે સદામ ઉર્ફે ભુરો તથા જેનીશ મહાજન નામના બે શખ્‍સો ત્‍યાં આવ્‍યા હતા. જેનીશે દુકાનદાર પાસે સોડા અને પાણીની બોટલ માંગી હતી. સાગરભાઈએ વસ્‍તુઓ આપ્‍યા બાદ જ્‍યારે તેના પૈસા માંગ્‍યા, ત્‍યારે જેનીશે ઉશ્‍કેરાઈને કહ્યું હતું કે તને પૈસા આપવા નથી, પછી આપી જઈશ. જ્‍યારે વેપારીએ બાકીમાં ધંધો કરવાની ના પાડી ત્‍યારે બંને શખ્‍સો એકદમ ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્‍યા હતા.

મામલો બિચકતા બંને શખ્‍સોએ દુકાનમાં રાખેલી ચીજવસ્‍તુઓની તોડફોડ કરી હતી અને સાગરભાઈ સાથે ઝપાઝપી કરી તેમને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. દુકાનમાંથી જતી વખતે આરોપીઓએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે અમારી પાસે પૈસા માંગ્‍યા છે, હવે તને જાનથી મારી નાખીશું. આ ધમકી આપી બંને શખ્‍સો ત્‍યાંથી ભાગી ગયા હતાં. આ મામલે સાગરભાઈ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે.આઈ. ઝાલાએ જેનીશ મહાજન અને સદામ ઉર્ફે ભુરા સામે ગુનો નોંધી સદામને સકંજામાં લઇ ભુરાની શોધખોળ હાથ ધરી છે. તાજેતરમાં જ જેનીશ, ભુરા સહિતનાએ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પર બોટલો ફેંકતાં પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્‍યું હતું. ત્‍યાં ફરી બંનેએ કાયદાની ઐસી તૈસી કરી છે

(4:14 PM IST)