તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
વિજયપ્લોટના ચિરાગભાઇની કાર નાણાવટી ચોક આરએમસી ક્વાર્ટરના પાર્કિંગમાં વિમલ ઉર્ફે ભાયાએ સળગાવી નાંખી
ક્વાર્ટરમાં રહેતાં વિજયભાઇના ભત્રીજા પાસે પખવાડીયાથી કાર હતીઃ વિજયભાઇના દિકરાએ અગાઉ વિમલની બહેનને ભગાડી હોઇ મનદુઃખ હતું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: વિજય પ્લોટમાં રહેતાં યુવાનની કાર ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહેતો તેનો ભત્રીજો લઇ ગયો હોઇ અને તેણે આરએમસી ક્વાર્ટરના પાર્કિંગમાં રાખી હોઇ આ કાર ભત્રીજાના પાડોશમાં જ રહેતાં શખ્સે સળગાવી નાંખી નુકસાન કરતાં ફરિયાદ થઇ છે. કાર સળગાવી નાખનારની બહેનને અગાઉ વિજયપ્લોટના યુવાનનો પુત્ર ભગાડી ગયો હોઇ તે કારણે ધમકી અપાઇ હતી અને ધમકી મુજબ જ કાર સળગાવી દેવાઇ હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વિજય પ્લોટ-૧૦ હીંગળાજ જ્વેલર્સ સામે રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ચીરાગભાઇ બોદુભાઇ ઘોરી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતાં વિમલ ઉર્ફ ભાયો સતિષભાઇ અગ્રાવત વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીરાગભાઇએ ઘોરીએ જણાવ્યું છે કે આજથી પંદરેક દિવસ પહેલા મારો ભત્રીજો રાજ ચૌહાણ (રહે. આરએમસી ક્વાર્ટર નાણાવટી ચોક) મારી બ્રેઝા કાર જીજે૦૩પીડી-૦૧૬૫ મારી પાસેથી લઈ ગયેલો હતો, જે ત્યારથી તેની પાસે જ હતી. આજે શનીવારે વ્હેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામા હુ મારા ઘરે હતો ત્યારે મારા ભત્રીજા રાજો મને ફોન આવેલો અને જણાવેલ કે અમારા પાડોશી વીલાસબેન સુરેશભાઈ વાલાણી ઘરે જાણ કરવા આવ્યા છે કે તમારી ફોવ્હીલર ગાડી આપણા ક્વાર્ટરમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો અગ્રાવતે સળગાવી નાખેલ છે.
રાજ રાત્રીના બે વાગ્યાના અરસામા લગ્ન પ્રસંગમાથી ઘરે આવ્યોહ તો અને ક્વાર્ટરના પાર્કિંગમાં કાર રાખી હતી. આ વાતની જાણ મને થતાં હું ત્યાં પહોંચ્યો હતો. મેં ત્યાં જઈને જોયુ તો મારી કારની આગ ફાયર બ્રિગેડે બુઝાવી નાખી હતી. કારમાં ભારે નુકસાની થઇ હતી. આ બાબતનું કારણ એ છે કે આજથી એકાદ માસ પહેલા મારો દિકરો શાહીદ આ વિમલભાઇ અગ્રાવતની બહેનને ભગાડીને લઈ ગયેલો હતો. આ બાબતે તેને મારા ઉપર ખાર હતો. આથી ગત ૯મીએ હું ઘરે હતો ત્યારે વિમલભાઇએ મને વ્હોટ્સએપ કોલ કરીને કહેલું કે જુના કેસમાં મારી સાથે સમાધાન કરી લે નહિતર તને છરીના ઘા મારી દઈશ અને તારી કાર પણ સળગાવી નાંખીશ. આ ધમકી આપ્યા પછી તેણે હવે સાચ્ચેજ મારી કાર સળગાવી નાખી નુકસાન કર્યુ છે. તેમ વધુમાં ચિરાગભાઇએ કહેતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:01 PM IST)










