તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
કાલે મહાશિવરાત્રી : ભાવિકો ભોળાનાથના ભક્તિરસમાં ભીંજાશે
ગંગ ભંગ દો બહેન હૈ રહેતી શિવજી કે સંગ... તરનહારની ગંગ હૈ ઔર ભજન કરને કો ભંગ શિવમંદિરોને અનેરા શણગાર : કાલે ચાર પ્રહરની આરતી સાથે વિશેષ પુજન અર્ચન : વાજતે ગાજતે બે શિવશોભાયાત્રા

રાજકોટ તા. ૧૪ : કાલે મહાશિવરાત્રી હોય ભોળાનાથને ભજવા ભાવિકો અધિરા બન્યા છે. શિવાલયોને આજે સાંજથી જ વિવિધ શણગારોની તૈયારીઓ થઇ ચુકી છે. કાલે ચાર પ્રહરની આરતી સાથે શિવમંદિરોમાં બમ બમ ભોલે, જય ગીરનારી, હર હર મહાદેવના નાદો ગુંજતા રહેશે. કાલે બપોરે શિવ મંદિરોમાં વિશેષ આરતી સાથે ભાવિક ભકતોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. આખોદિવસ અભિષેક, લઘુરૂદ્રી, મહારૂદ્રી, સ્તોત્ર, પાઠ, સત્સંગ સહીતના કાર્યક્રમો થશે. ધર્મમય આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
રાધેશ્યામ ગૌશાળા
રૈયાધાર, ૧૫૦ ફુટ રીંગરોડ પાસે આવેલ શ્રી રાધેશ્યામ ગૌશાળા ખાતે કાલે મહાશિવરાત્રી નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમજ બ્રહ્મસમાજ ચોક, નાણાવટી ચોક, રામાપીર ચોક ખાતે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી અને ભાંગ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શાષાીનગર ખાતે ત્રિદિવસીય શિવરાત્રી મહોત્સવમાં દ્વાદશ શીવલીંગ સાથે અમરનાથ ગુફાનું સર્જન કરાયુ છે. શીવ અભિષેક, મહાઆરતી, વ્યસન મુક્તિ મહાયજ્ઞ રાખેલ છે. કાલે શિવરાત્રી નિમિતે બપોરે ૧૨ વાગ્યે ભાંગની પ્રસાદીનું વિતરણ અને સાંજે પ થી ૭ સંગીત સંધ્યા અને કલ્ચરલ કાર્યક્રમ રાખેલ છે.
ગીતા વિદ્યાલય જંકશન
જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં કાલે રવિવારે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે. સવારે ૭ થી ૧૨ શિવપૂજન-રૂદ્રાભિષેક અને બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે. શિવજીને બીલીપત્ર, જળ, પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક કરાશે. સવારે ૬ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૪.૩૦ થી રાત્રીના ૧૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. ભાવિકોએ લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.
જીવનનગર
જીવનનગર વિકાસ સમિતિ અને વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ દ્વારા કાલે મહાશિવરાત્રી નિમિતે વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમો રાખેલ છે. સવારે ૪ વાગ્યે ભસ્મ આરતી અને રૂદ્રાભિષેક પૂજન થશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી દીપમાળા રાખેલ છે.
રામનાથપરાથી શોભાયાત્રા
દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા કાલે મહાશિવરાત્રી નિમિતે શિવ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. સોમનાથ મહાદેવના થ્રીડી ફલોટ સાથે મુખ્ય રથ અને અન્ય ફલોટ સાથેની આ શોભાયાત્રા બપોરે ૧.૩૦ વાગ્યે સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થઇ રામનાથ સ્મશાન, રામનાથ પુલ, પાંજરાપોળ ચોક, ભાવનગર રોડ, ડીલક્ષ ચોક, રણછોડદાસ બાપુ આશ્રમ, પારુલ ગાર્ડન રોડ, બાલક હનુમાનજી મંદીર ચોક, ઉદયભાઈ કાનગડ ધારાસભ્યની ઓફીસ, પટેલવાડી સંતકબીર રોડ, પેડક રોડ, સેટેલાઈટ ચોક, ૮૦ ફુટ રોડ, કાર્તિક પાર્ટી પ્લોટની સામે પુર્ણાહુતી થશે.
સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા
દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવ રથયાત્રા સમિતિ દ્વારા સતત ૧૪માં વર્ષે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પશુપતિનાથનું પ્રતિક રૂપ ૨ ફૂટ ઊંચું શિવલિંગ બિરાજમાન થશે. તેની સાથે ૧૨ જ્યોર્તિલિંગ ના ફ્લોટ્સ સામેલ રહેશે.તેમજ હાથી, ૨૦ ઘોડા તેમજ બગીઓ, ૧૦૦૦ બાઈક અને ૩૦૦ કાર ભાગ લેશે. સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા કોઠારીયા રોડ સ્થિત શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર થી બપોરે ૨ વાગ્યે પ્રસ્થાન થઈને, સોરઠિયાવાડી, ભક્તિનગર સર્કલ શ્રી ધારેશ્વર મંદિર, ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રામકળષ્ણ આશ્રમ, શ્રી જાગન્નાથ મંદિર, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, સદર બજાર મેઈન રોડ, જયુબેલી ચોકપરથી પસાર થશે અને હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
(3:35 PM IST)










