તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
વ્હાલું અને વ્હાલનું વટવૃક્ષ એટલે પૂ.મોરારીબાપુઃ કાલે મહાશિવરાત્રીએ જન્મદિવસ

રાજકોટ તા.૧૪ : પૂ. મોરારિબાપુનો કાલે મહાવદ ચૌદસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ૮૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.'શતમ્ જીવમ્ નહીં સવા શતમ્' તેમના કાર્યોથી સૌએ કહેવુ પડે! જીવનના સાત દાયકા સુધી રામનામના ગુંજારવને નસનસમાં ભરી દેનાર આ મહાચેતના અને પરમ વિભૂતિને કદાચ ભવિષ્યે લોકો એક ચમત્કારી મહાપુરુષ તરીકે ઓળખશે!!
પૂજ્ય મોરારિબાપુ જન્મ વિશે પોતે જ અનેક વખત કેફિયત આપીને જણાવે છે કે ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ એ મારી પાસપોર્ટમાં લખાયેલી જન્મ તારીખ છે. પરંતુ વાસ્તવમાં જન્મદિવસ એ મહાશિવરાત્રી એટલે કે ૨ માર્ચ ૧૯૪૬ છે. શિવરાત્રીનો તે દિવસ હતો અને તેથી બાપુએ પોતાનો જન્મદિવસ ક્યારેય અંગ્રેજી કેલેન્ડર મુજબ પ્રસ્તુત કર્યો નથી.તેથી આપણે મહાશિવરાત્રીને જ આગળ કરીને ચાલીએ,માનીએ. તે મહાવદ ચૌદસ સવંત ૨૦૦૨નો દિવસ હતો શનિવાર.તો આ રીતે બાપુનો જન્મ દિવસ મહાશિવરાત્રીથી ગણતા બાપુ હવે ૮૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ મહાચેતનાને તેમના જન્મદિવસે વારંવાર વંદન, પ્રણામ.
માત્ર ૧૪ વર્ષની ઉંમરે રામચરિત માનસની ચોપાઈઓના ગાન સાથે બાપુએ પોતાના દાદા અને ગુરુ પૂજ્ય ત્રિભુવનદાસબાપુ પાસેથી માનસ દીક્ષા ગ્રહણ કરી તે વાત સાર્વજાનિક છે. રામચરિત માનસના દોહા, સોરઠા અને ચોપાઈ ધીમે ધીમે પુ.મોરારિબાપુની સમગ્ર ચેતનતત્વમાં ઉતારતા ચાલ્યા અને પોતાના પૈત્રિક વતન અને જન્મસ્થાન ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા મુકામે પ્રથમ રામકથા એક વડલાની છાયામાં માત્ર બે શ્રોતાઓની સામે રજૂ કરી અને પછી આજે હવે એ પરોક્ષ રીતે કરોડો શ્રોતાઓ સુધી આ ગંગા પહોંચી ગઈ છે.
પુ.મોરારિબાપુ માટે કંઈ લખવું અથવા તેમને કોઈ વિશેષણ આપવું એ ધૃષ્ટતા કહેવાય, કારણકે તેથી સંભાવના છે કે તેમના સમગ્ર વ્યક્તિત્વને ઓછાં શબ્દોમાં મુલવીને, આલેખીને કે પછી પ્રસ્તુત કરીને કોઈ અપરાધ થઈ ગયાની અનુભૂતિ જરૂર થાય,કારણ કે જીવનના ૬૮ વર્ષો જે ચેતન સમૃદ્ધિએ રામને સમર્પિત કર્યા હોય અને આપણે તેને શબ્દપુષ્પમાં બાંધવાનો પ્રયાસ કરીએ તો તે શક્ય છે ખરું?
રામકથાનો રસ હવે જગતના ૭૦૦ કરોડ લોકો પૈકીના હિન્દી, ગુજરાતી જાણનારા લગભગ ૨૦૦ કરોડ લોકો સુધી વિસ્તર્યો છે, પહોંચ્યો છે. કદાચ જગતમાં આ પ્રકારની કોઈ કહાની પ્રવાહી રીતે અન્ય કોઈ ધર્મમાં પણ રજૂ થતી હોય અને આ ધારાઓને જીલવા માટે લાખો લોકો રોજ પીપાસુ બનીને ખોબો ધરીને ઉભાં હોય તેવું સાંભળવા મળ્યું નથી! પણ પૂજ્ય બાપુની વાણીને ઝીલવા ઉત્તરથી દક્ષિણ તથા પૂર્વથી પヘમિ ભારતના જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે આસ્થા ચેનલના માધ્યમથી હજારો લોકો આતુરતાથી પહેલાં ટીવી અને હવે ઈન્ટરનેટમાં આંખ ઉઘાડીને બેઠાં છે.
૯૭૨ મી કથા બાપુએ પોતાની પરંપરાના ઈશ્વરીય તત્વ કૃષ્ણમ્ શરણમ્ સમર્પિત કરીને ૮૧માં વર્ષનો પ્રારંભ કર્યો છે. માનવ વસાહત ધરાવતા દુનિયાના છ ખંડો અને આકાશ,જળમાં સૌને રામકથાનું રસપાન કરાવવા માટે બાપુ માધ્યમ બની શક્યા છે એટલું જ નહીં દુર્ગમ એવા અરણ્ય પ્રદેશો અને એવરેસ્ટ જેવી બર્ફીલી હિમાલયની પહાડીઓ કે જ્યાં માનસરોવર છે ત્યાં પણ પોથીજી લઈને બાપુનાં પગલાં પડ્યાં છે.બાપુએ શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં બદલવા માટે કદી પ્રયત્ન નથી કર્યો પણ એટલું ચોક્કસ કહું કે બાપુની કથાઓ અને તેની રસલ્હાણનો એક વખત ઘૂંટડો પી જનાર કાયમના બંધાણી બની જાય છે.તેથી જ કદાચ ‘આઈએ હનુમંત બિરાજીએ કથા કહું રઘુરાય' આ ચોપાઈનું ગાન હનુમંત મહારાજને હંમેશા કથા મંડપમાં પધારવા માટે પૂરતું બની રહે છે. કોઈ ઘટના ૯૭૨ કથામાં આજે પણ એવી નથી બની કે જે કૃપણ કે કષ્ટદાયક હોય!
ચરૈવેતી ચરૈવેતીના મંત્ર માળાના મણકાઓની જેમ જ સાથે રાખીને બાપુનું પવિત્ર, પ્રવાહી જીવન સતત દોડતું, વિસ્તરતું અને વહેતું દેખાયું છે.પણ તે ક્યારેય હાંફયુ હોય તેવો પ્રસંગ સામે આવ્યો નથી.
પુ.બાપુ લાખો લોકોના જીવનને બદલવા કારણરુપ બન્યાં છે અને તેઓ આ ગંગાનો અભિષેક સતત કરતાં રહે તે તેમના અવતરણ દિવસે મનોરથ કરી વારંવાર વંદન કરીએ છીએ.(-તખુભાઈ સાંડસુર-વેળાવદર) (મો. ૯૪૨૭૫ ૬૦૩૬૬
(3:36 PM IST)










