<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

મિલ્‍કત વેરા બાકીદારો સામે મનપાની લાલઆંખ : ૭ દિ'માં ૧૯૮ મિલ્‍કતોને તાળા

વ્‍યાજમાં માફી યોજના સાથે બાકીદારો સામે કાર્યવાહી ચાલુ : ૧પ૪૦ મિલ્‍કત ધારકોને જપ્‍તી નોટીસ : વ્‍યાજમાં માફી યોજનામાં ૩.૬૩ કરોડની આવક

રાજકોટ તા.૧૪: મનપાના વેરા વિભાગ દ્વારા જાન્‍યુઆરી માસથી મિલકત વેરો બાકી હોય તેવા લોકો વિરૂધ્‍ધ કડક ઝૂંબેશ શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત ત્રણેય ઝોનના ૧૮ વોર્ડમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન રહેણાક અને કોમર્શિયલની ૧૯૮ મિલકત સીલ કરી નોટિસ હોવા છતા વેરો ન ભરનાર ૧૫૪૦ લોકોને જપ્તીની નોટિસ ફટકારી હતી. સીલથી બચવા ૩૨૪૫ લોકોએ સ્‍થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાને ૧૦.૩૪ કરોડની આવક થઇ હતી.

મનપાના વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચડત મિલકત વેરો હોય તેવા આસામીઓ વિરૂધ્‍ધ સીલિંગ અને જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા એક સપ્તાહ દરમિયાન વોર્ડ નં.૨માં ૧, વોર્ડ નં.૩-૧૭, વોર્ડ નં.૭-૬૦૮ વોર્ડ નં.૧૩ - ૫૬, વોર્ડ નં.૧૭-૨૭, વોર્ડ નં.૧૪,૨૦ સહિત ૯૫ મિલકતો સીલ કરવામાં આવી હતી.

જયારે ઇસ્‍ટઝોનમાં છ વોર્ડમાં ૨૪ મિલકત અને વેસ્‍ટ ઝોનમાં સૌથી વધુ ૧૦૩ સાથે કુલ ૧૯૮ મિલકતો સીલ કરવામાં આવી હતી. અગાઉ સીલ થયેલ મિલકતો પૈકી ૧૫૪૦  લોકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. સ્‍થળ ઉપર ૩૨૪૫લોકોએ વેરો ભરપાઇ કર્યો હતો. જેમાં ચેક અને રોકડનો સમાવેશ થાય છે. છતાં સીલિંગથી બચવા ચેક આપવામાં આવેલ હોય અને અમુક કિસ્‍સામાં ચેર રીર્ટન થયા હોય તેવા લોકો વિરૂધ્‍ધ ફરિયાદ કરવા સહિતના પગલા લેવામાં આવશે.

મનપાના વેરા વિભાગ દ્વારા જાન્‍યુઆરી માસથી ચાલુ કરવામાં આવેલ રીકવરી ઝૂંબેશ હાલમાં વ્‍યાજમાફી યોજના ચાલુ કરેલ હોવા છતા પૂર્વવત રાખવામાં આવી છે. એક સપ્તાહમાં ૧૯૮ મિલકતો સીલ કર્યા બાદ આ ઝૂંબેશ આગામી ૩૧ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ ૧ લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્‍ધ આ વર્ષ સીલિંગ કામગીરી ચાલુ રખાશે તેમ જાણવા મળેલ છે.

વેરા વિભાગે બાકીદારોના લીસ્‍ટ બનાવવાનુ શરૂ કર્યુ છે. આગામી દિવસોમાં ૨૮૫૮ મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવશે. વેરા વિભાગે વધુમાં જણાવેલ કે, વેસ્‍ટઝોન અને સેન્‍ટ્રલ ઝોનમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો આવેલા છે અને જૂની મિલકતો પણ વધુ હોવાથી આ બંન્ને ઝોનમાં બાકીદારોની સંખ્‍યામાં પણ મોટો વધારો જોવા મળ્‍યો છે.

વ્‍યાજમાફી યોજના : ૪૮ કલાકમાં ૩.૬૩ કરોડની આવક

મનપાના વેરા વિભાગે ૧૦ વર્ષ બાદ મિલકત વેરામાં વ્‍યાજમાફી યોજના ગત ગુરુવારથી શરૂ કરી છે. જેને જબરો પ્રતિસાદ સાપડ્‍યો છે. આ વખતે સંપૂર્ણ વ્‍યાજમાફીના બદલે પાણી વેરો અને મિલકત વેરામાં રૂા.૫૦૦૦ વ્‍યાજ માફ કરી દેવામાં આવ્‍યુ છે. જેના લીધે નાના મિલકત ધારાકો તેનો લાભ લેતા બે દિવસમાં ૧૬૨૧ લોકોએ વ્‍યાજમાફીનો લાભ લેતા મહાનગપાલિકાને રેકોર્ડબ્રેક ૩.૬૩ કરોડની આવક થઇ છે. જેની સામે કરદાતાઓનુ અંદાજે રૂા.૫૦ લાખ જેટલુ વ્‍યાજ માફ કર્યુ હોવાનુ વેરા વિભાગે જણાવ્‍યુ હતું

(3:50 PM IST)