<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

વેલેન્ટાઈન-ડે પર રાજકોટમાં કરૂણાંતિકા: ગંજીવાડાના નીરજ ગોહેલ દર્દ ભર્યા ગીતો સાંભળતા સાંભળતા આપઘાત કર્યો

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબ્જે કરી તપાસ શરૂ કરી

રાજકોટ: શહેરમાં જ્યારે લોકો પ્રેમનો ઉત્સવ ઉજવી રહ્યા હતા, ત્યારે ગંજીવાડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શહેરના થોરાળા પોલીસ મથક હેઠળ આવતા ગંજીવાડા શેરી નં. ૨૫માં રહેતા ૨૭ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃતક યુવાનનું નામ નિરજ જયંતીભાઈ ગોહીલ હોવાનું સામે આવ્યું છે. શનિવારે જ્યારે વેલેન્ટાઈન-ડેની ઉજવણી થઈ રહી હતી ત્યારે નિરજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવાનના કાનમાં હેન્ડ્સ-ફ્રી લગાવાયેલા હતા અને તેના મોબાઈલમાં દર્દભર્યા ગીતો ચાલુ હતા. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ ગીતો સાંભળતા સાંભળતા જ યુવાને આ અંતિમ પગલું ભર્યું હશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક નિરજ મજૂરી કામ કરતો હતો અને તે અપરિણીત હતો. થોરાળા પોલીસ મથકના પીએસઆઇ ડી.કે. ધાંધલા અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. યુવાનના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને પરિવારજનો પણ આ બાબતે અજાણ છે. આથી પોલીસે સત્ય જાણવા માટે યુવાનનો મોબાઈલ કબજે લીધો છે અને તેની વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વેલેન્ટાઈન-ડેના દિવસે જ આશાસ્પદ યુવાનના મોતથી સમગ્ર ગંજીવાડા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

(9:44 AM IST)