News of Monday, 16th February 2026
ગાયકવાડીમાં ૬૦ વર્ષના કમુબેને પગના ઘારવા ઉપર ધતૂરાના પાન બાંધ્યાઃ ઝેરી અસર થવાથી મોત
કોઇ સગાના કહેવાથી ચારેક દિવસથી આવો ઉપચાર કરતાં હતાં: વઢવાણીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: ઘણીવાર લોકો પોતાના શારીરિક દર્દ, રોગ મટાડવા માટે ડોક્ટર પાસે જઇ દવા-સારવાર કરાવવાને બદલે કોઇના ચીંધ્યા મુજબના ઉપચાર કરતાં હોય છે. ઘણીવાર આવા ઉપચાર જો યોગ્ય હોય તો દર્દીને રાહત થતી હોય છે. પરંતુ ક્યારેક અવળુ પરિણામ આવતું હોય છે. આવી જ એક ઘટના શહેરના જંકશન પ્લોટ ગાયકવાડીમાં બની છે. જેમાં લાંબા સમયથી ડાયાબીટીસ લાગુ પડયું હોઇ એક વૃધ્ધાને બંને પગમાં સડો થઇ ગયો હતો. ચારેક દિવસ પહેલા કોઇ સગા સંબંધી ઘરે આવ્યા ત્યારે તેણે આ સડા ઉપર ધતૂરાના પાન બાંધવાથી સારુ થઇ જાય છે તેવી વાત કરી પાંદડા બાંધવા જણાવતાં વૃધ્ધાએ આ પ્રકારનો ઉપચાર ચાલુ કર્યો હતો. પરંતુ એકાએક તેમની તબિયત લથડતાં મૃત્યુ થયું હતું. ધૂતરાના પાનથી સંભવતઃ ઝેરી અસર થવાથી આમ બન્યાનું તારણ નીકળ્યું છે.
જાણવા મળ્યા મુજબ ગાયકવાડી શેરી નં. ૬માં રહેતાં કમુબેન રમેશભાઇ વઢવાણીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને પગમાં પાક, સડો થઇ ગયા હોઇ દેશી ઇલાજ રૂપે આ ઘા ઉપર ધતૂરાના પાન ચારેક દિવસથી બાંધવાનું ચાલુ કર્યુ હતું. આ દરમિયાન ગઇકાલે તેમની તબીયત એકાએક બગડી ગઇ હતી અને બેભાન જેવા થઇ ગયા હતાં. આથી પરિવારજનોએ તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
આ બનાવમાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમુબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ હયાત નથી. સગાના કહેવા મુજબ કમુબેનને બે ત્રણ વર્ષથી ડાયાબીટીસ હતું. આ કારણે પગમાં સડો થઇ ગયો હતો. દવા ચાલુ હતી પરંતુ કોઇ સગા ઘરે આવ્યા તેણે આ ઘા ઉપર ધતૂરાના પાન બાંધવાનું કહેતાં તેમણે આ ઉપચાર ચાલુ કર્યો હતો. ચારેક દિવસ આવા પાન ઘા ઉપર બાંધ્યા હતાં. બાદમાં એકાએક મૃત્યુ થયું હતું. ઝેરી અસર થવાને કારણે મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું.
(2:35 PM IST)










