<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સાગરનગરમાં ત્રણ રીકવરી એજન્‍ટો પર હરેશ જોગરાણાનો ટોળકી રચી ચાના ડોયા, તાવીથા અને કડાથી હુમલો

વાહનની લોનના હપ્‍તા ચડી ગયા હોઇ નિયમ મુજબ વાહન સીઝ કરવાની કાર્યવાહી કરતાં ડખ્‍ખો : કણકોટ રોડ પર રહેતાં રાજવીર એન્‍ટરપ્રાઇઝના કર્મચારી જેનીશ ગોસ્‍વામી, સોહિલ સુરાણી અને અભિષેક ગોસાઇને ઇજાઃ સાગરનગરના હરેશ અને તેની સાથેની અજાણી મહિલા સહિત છ વિરૂધ્‍ધ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૬: શહેરના કણકોટ રોડ પર રહેતાં અને કંપનીમાં રીકવરી એજન્‍ટ તરીકે નોકરી કરતાં યુવાનને તે જુના માર્કેટ યાર્ડ વિસ્‍તારમાં વાહનની લોનના હપ્‍તા ચડી ગયા હોઇ વાહન સીઝ કરવા માટે જતાં લોન લેનારે તેને સાગરનગરના રસ્‍તે દ્વારકાધીશ હોટલ નજીક બોલાવતાં આ યુવાન અને તેની સાથેના અન્‍ય બે રીકવરી એજન્‍ટ હોટલ પાસે જતાં વાહન માલિકે તમારે જે કરવાનું હોય એ કરો, અહિથી નીકળી જાવ, મારુ વાહન નહિ આપું કહીને એક મહિલા તથા બીજા ચાર જણા સાથે મળી આ ત્રણેય રીકવરી એજન્‍ટો પર ચાના ડોયા, તાવીથાથી અને હાથમાં પહેરવાના કડાથી હુમલો કરી માર મારતાં ત્રણેયને સારવાર લેવી પડી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કણકોટ રોડ પર લાલુ પારેખ ટાઉનશીપ ફલેટ નંબર સી-૨, બ્‍લોક નં. ૭૦૫માં પરિવાર સાથે રહેતાં અને રાજવીર એન્‍ટરપ્રાઇઝમાં ત્રણ મહિનાથી સીઝર તરીકે કામ કરતાં જૈનીશ મુકેશભાઇ ગોસ્‍વામી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી જુના માર્કેટ યાર્ડ નજીક સાગરનગરમાં રહેતાં હરેશ જોગરાણા અને એક મહિલા સહિત પાંચ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. જેનીશ ગોસ્‍વામીએ ફરિયાદમાં  જણાવ્‍યું છે કે તે રવિવારે ૧૫મીએ બપોરે સાડા બારેક વાગ્‍યાના અરસામાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હતા. તેણે કંપનીની ઇઝી રીકરવી એપ્‍લીકેશનમાં ં મોટરસાઇકલ નંબર જીજે૦૩એમએસ-૬૬૯૧ સર્ચ કરતા જાણવા મળ્‍યું કે આ વાહનમાં ત્રણથી વધુ હપ્‍તા બાકી છે અને એલ.એન.ટી ફાઈનાન્‍સ દ્વારા તેને સીઝ કરવાનો ઓર્ડર છે.

આ પછી યાર્ડ નજીક જ આ વાહન લઇને ચાલક હરેશ જોગરાણા નીકળતાં તેને અટકાવી લોનના હપ્‍તા બાકી હોવાની વાત કરી હતી. ત્‍યારે હરેશએ તેને નજીકની દ્વારકાધીશ હોટેલ પાસે વાતચીત કરવા આવવાનું કહેતાં જેનીશે તેના સાથીદારો નદીમ બેલીમ, સોહિલ સુરાણી અને અભિષેક ગોસાઈને પણ ત્‍યાં બોલાવી લીધા હતા. આ પછી જેનીશે કાયદેસરની કાર્યવાહી મુજબ વાહન સીઝ કરવાની વાત કરી, ત્‍યારે હરેશ ઉશ્‍કેરાઈ ગયેલ અને-તમે લોકો જે કરતા હોય તે કરો, અહીંથી નીકળી જાવ નહીંતર મજા નહીં આવે, હું મારું મોટરસાઇકલ નહીં આપું તેમ કહી ઝઘડો ચાલુ કર્યો હતો.

આ વખતે નદીમભાઇએ તેને તમે આ રીતે ગુસ્‍સે ન થાવ, ઉશ્‍કેરાઇ ન જાવ અને શાંતિથી વાત કરો તેમ કહ્યું હતું. પરંતુ હરેશે બીજા લોકોને બોલાવી લીધા હોઇ એક મહિલા અને બીજા ચાર જણાએ મળી જેનીશ સહિતના ઉપર હુમલો કરી દીધો હતો. હરેશે ચાના થડા પાસેથી ડોયલો લઇ અભિષેકને જમણા સાથળ અને ઢીંચણ પર ઘા મારી દીધા હતા. સોહિલને પણ ડાબા ખંભે અને ડાબા હાથે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ કોઇએ પોતે હાથમાં પહેરેલું લોખંડનું ભારે કડું જેનીશના માથાના પાછળના ભાગે મારી દેતા તેને ઈજા થઈ હતી. આ ઉપરાંત ચા બનાવવા માટેના તાવીથાથી પણ હુમલો કરાયો હતો. ઝપાઝપી દરમિયાન સોહિલના ગળામાં પહેરેલી રૂ. ૨૩૦૦ની કિંમતની ચાંદીનો ચેઈન પણ તુટીને પડી ગયો હતો.

બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. જેથી હુમલાખોરો ભાગી ગયા હતાં. બાદમાં જેનીશે કંપીના ઓનર યુવરાજસિંહને ફોન કરી જાણ કરતાં તે કાર લઇને પહોંચ્‍યા હતાં અને જેનીશ, સોહિલ, અભિષેકને હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. જ્‍યાં જેનીશને દાખલ કરાયો હતો. જ્‍યારે સોહિલ, અભિષેકને પ્રાથમિક સારવાર અપાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયા સહિતે જેનીશની ફરિયાદ પરથી હરેશ જોગરાણા, અજાણ્‍યા ચાર શખ્‍સો અને એક મહિલા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:36 PM IST)