તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
સોમનાથથી દેલવાડા સુધી દરિયામાં સ્વીમીંગ - કાયાકિંગ એડવેન્ચર
૭ સ્વીમરો ૧પ૦ કિ.મી. દરિયો ખુંદશે : ર૧ મીએ પ્રસ્થાન અને ર માર્ચના સમાપન : માર્ગોમાં કેન્સર અવેરનેસના પણ કાર્યક્રમ

રાજકોટ, તા. ૧પ : રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ ઓસોસીએશન દ્વારા આગામી તા. ર૧ ફેબ્રુઆરીથી ર માર્ચ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથથી દેલવાડા સુધીના દરિયાઇ માર્ગે ૧પ૦ કિ.મી. ઓપન વોટર સી સ્વીમીંગ અને કાયાકિંગ એડવેન્ચર એક્ષપીડીશનનું આયોજન કરાયું છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતું કે, આ અભિયાનનો પ્રારંભ ર૧ ફેબ્રુઆરી ર૦ર૬ના રોજ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતેના બીચથી શરૂ થશે અને દસ દિવસની સતત સમુદ્રી સફર બાદ ર માર્ચ ર૦ર૬ના રોજ સીમર બીચ દેલવાડા ખાતે સમાપન થશે. સમગ્ર રૂટ અંદાજે ૧પ૦ કિલોમીટર લાંબો છે. જેમાં સુત્રાપાડા, મુળ દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ લાઇટ હાઉસ, ધોધલા, સિમોર બીચ સહિતના દરિયાઇ વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ અભિયાનમાં સ્વિમર તરીકે વેનેસા શુક્લા (ઉં.૧૯), પાર્થિવ મેઘાણી (ઉં.૧પ), દિવ્યમ ચોટલિયા (ઉં. ૧૪), અને જિનલ પિત્રોડા (ઉં. ૧૮) જયારે કાયાકિંગ ટીમમાં આર્યન જોશી (ઉં.ર૦), વેદાંત જોશી (ઉં.૧૮) અને સિદ્ધરાજ સોલંકી (ઉં.૧૮) જોડાશે. જે તમામ ખેલાડીઓ ઓપન વોટર સ્વીમીંગ અને કાયાકિંગના ખૂબ જ અનુભવી છે અને તેઓ દ્વારા ભૂતકાળમાં અનેક વખત ઓપન વોટર સ્વીમીંગ અને કાયાકિંગ કરવામાં આવેલ છે.
આ અભિયાનમાં અંકિતા પાનસૂરિયા દ્વારા સ્કૂબા ડાઇવિંગ મારફતે દરિયાની અંદર સફાઇ કરવી અને દરિયાય જીવ સૃષ્ટિ સવર્ધન - જાળવણી અને જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ છે. સાથે લુપ્ત થતી રમત સઢવાળી હોડી કેવી રીતે ચલાવી શકાય તે અંગેની જાણકારી શ્રી ભરતભાઇ કામલિયા દ્વારા આ અભિયાન દ્વારા આપવામાં આવશે. સાથે લાઇફ સેવિંગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા આ કાર્યક્રમમાં દરિયામાં રેસક્યુ, સેફટી માટે ગાઇડ લાઇન અને લાઇફ સેવિંગ ટેકનીકલ સહયોગ પૂરો પાડશે.
આ અભિયાન દરમિયાન કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ અશ્વિનભાઇ સોલંકી તથા તેમની ટીમ દ્વારા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવામાં આવશે.
આ અભિયાનના પ્રોજેકટ ચેરમેન તરીકે રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલારા સેવા આપી રહ્યા છે. કાર્યક્રમનું આયોજન રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પ્રમુખ તરીકે ગુજરાત રાજયના પૂર્વ રમત-ગમત મંત્રી શ્રી ઉમેશભાઇ રાજગુરૂ કાર્યરત છે.
આ કાર્યક્રમમાં બંકિમ જોશી, દિનેશ હપાણી, પ્રકાશ કલોલા, નીરજ દોશી, નિલેશ રાજ્યગુરૂ, મયુરસિંહ જાડેજા વિનોદભાઇ જોશી, જયશ્રીબેન વાંકણી, મૈત્રી જોશી, પ્રતાપ પરમાર, અશોક અઢીયા, દિક્ષિત ધાંજા, મયુર પાજરી, રામ સી સ્વીમીંગ ક્લબ (પોરબંદર) અમિત સોરઠીયા, મહેશભાઇ માયાણી સેવા આપી રહ્યા છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ સમુદ્રના પવિત્ર અને પ્રેરણાદાયી માધ્યમ દ્વારા આધ્યાત્મિકતા, સાહસ, રમતગમત અને સામાજિક જનજાગૃતિનો વ્યાપક સંદેશ ફેલાવવાનો છે. આ પહેલ દ્વારા યુવાનોને સાહસિક રમતગમત તરફ પ્રેરણા મળશે. તેઓમાં શારીરિક ક્ષમતા સો માનસિક દ્રઢતા અને અનુશાસનનો વિકાસ થશે. સાથે સાથે વ્યસનમુક્તિનો સકારાત્મક સંદેશ ફેલાઇને યુવા પેઢીને સ્વસ્થ અને સંસ્કારી જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન મળશે.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, દરિયાઇ સ્વચ્છતા અને સામાજિક કલ્યાણના સંદેશ સાથે આ અભિયાન રાજય અને દેશ માટે ગૌરવ સર્જનાર એક પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થશે.
આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે બાનલેબ પ્રાઇવેટ લિમિટેડ, કીચ આર્કિટેકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ, મસકત પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડ, વિશાલ સર્જીકલ પ્રાઇવેટ લિમિટેડ, ફાર્મા કિંગ ફૂડ પ્રોડકટ પ્રાઇવેટ લિમિટેડ, ઓૅરબિટ બેરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિલ્વર સ્ટાર એકસ્પોર્ટ, ટીલારા પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, દાવત બેવ્રેજિસ પ્રાઇવેટ લિમિટેડ, જ્યોતિ સિ.એન.સી., વિક્રમ વાલ્વ, યોલો કાયક, રોલેક્સ રોલ્ડ, મેક્ષોલાઇન, સૌરાષ્ટ્ર કચ્છ ટ્રાયથલોન અને ઉમિયા સ્ટીલ, ફાલ્કન પંપ નેશનલ વાયર પ્રોડકટ જેવા પ્રતિષ્ઠિત સહયોગીઓનો સહકાર પ્રાપ્ત થયો છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુવા સ્વીમરો તેમજ કોચ બંકીમ જોશી, નિલેશ રાજયગુરૂ, અશ્વિનભાઇ સોલંકી, અમિતભાઇ સોરઠીયા, મહેશભાઇ મેઘાણી નજરે પડે છે
(2:54 PM IST)










