News of Monday, 16th February 2026
સાંઢીયા પુલ લોકાર્પણમાં ૧૨ ટકા કામનું છેટું: ૮૮ ટકા પૂર્ણ
પ્રોજેકટ પુરો કરવાની ડેડલાઇનથી ૨ મહિના વહેલું કામ પુરૂ થશેઃ સંભવત એપ્રીલમાં કાર્યરત બનશે

રાજકોટ, તા. ૧૬: શહેરના જામનગર રોડ ઉપર સાંઢીયા પુલનું પુનઃ નિર્માણાધિન નવા ફોરલેન રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું ૮૮ કામ પૂર્ણ થયું છે ત્યારે હવે બાકી રહેતું ૧૨ ટકા કામ દોઢ મહિનામાં પૂર્ણ થઇ જાય તેવી શકયતાઓ મનપા તંત્રના સુત્રો જણાવી રહ્યા છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદ્દત તો જૂન-૨૦૨૬ છે પરંતુ કામ સમયસર ચાલ્યું હોય બે મહિના વહેલું પૂર્ણ થશે.
મનપાના સતાવાર સુત્રમાંથી જણાવ્યા મુજબ હવે રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનનું કામ શરૂ થયું છે જેમાં રેલવેએ ટ્રેન પસાર થતી ન હોય તેવો બ્લોકનો સમય તેમજ અન્ય જરૂરી મંજૂરી આપી દેતા કામ આગળ ધપ્યું છે. હવે સેન્ટ્રલ પોર્શનમાં ૩૦૦ ટનના સાત સ્ટીલ ગર્ડર મૂકવામાં આવશે. ગર્ડર લોન્ચિંગ પૂર્વે ગર્ડર સહિતના દરેક બાંધકામ મિટિરિયલની રેલવે દ્વારા તેના સેફ્ટી સ્ટાન્ડર્ડ અનુસાર સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
સાંઢીયા પુલ પ્રોજેક્ટના કારણે જામનગર રોડ ઉપર પુલ વિસ્તાર બંધ કરી રહેણાંક તેમજ શહેરના રાજમાર્ગો ઉપર રોડ ડાયવર્ઝન અપાયું છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે, ખાસ કરીને રાજકોટથી જામનગર તરફ જતી તમામ એસટી બસો યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ થઇ માધાપર ચોકડીએ પહોંચતી હોય દરરોજ ૨૦૦ જેટલી એસટી બસ તેમજ અન્ય ભારે વાહનો શહેર વચ્ચેથી પસાર થતા હોય ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે. પુલ પ્રોજેક્ટ સમગ્ર શહેરના ટ્રાફિકને પ્રભાવિત કરી રહ્યો છે. તદઉપરાંત પુલથી આગળના રહેણાંક વિસ્તારના રહીશો માટે ભોમેશ્વરમાંથી ડાયવર્ઝન અપાયું હોય આ રહેણાંક વિસ્તારમાં પણ દિવસભર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વ્હેલી તકે પુલનું કામ પૂર્ણ થાય અને રસ્તો પૂર્વવત થાય તેમ નાગરિકા ઇચ્છી રહ્યા છે. (૩.૨૧)
(2:57 PM IST)










