News of Monday, 16th February 2026
પ વર્ષીય બાળકીમાં ૬ મહિના સુધી અજાણી રહેલી દુર્લભ રેપન્ઝેલ સિન્ડ્રોમની ડો.તત્સ જોશી દ્વારા સફળ સારવાર
પેટ અને આંતરડા સુધી રહેલ વાળની ગાંઠને સુરક્ષીત રીતે દુર કરાઇ

રાજકોટ, તા., ૧૬: બાળ સર્જરી ક્ષેત્રમાં એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર કેસમાં, લગભગ ૫-૬ મહિના સુધી નિદાન વિના પીડાતી ૫ વર્ષીય બાળકીમાં રેપન્ઝેલ સિન્ડ્રોમની સફળ સારવાર આરવ પીડિયાટ્રિક સર્જિકલ હોસ્પિટલ, રાજકોટ ખાતે કરવામાં આવી હતી. આ રોગ આટલી નાની ઉંમરે જોવા મળવો અત્યંત દુર્લભ છે અને સામાન્ય રીતે ૧૮-૨૦ વર્ષની કિશોરીઓમાં જોવા મળે છે.
રેપન્ઝેલ સિન્ડ્રોમ એક દુર્લભ તબીબી સ્થિતિ છે જેમાં ગળેલું વાળ (ટ્રાઇકોબેઝોઅર) પેટમાં એક મોટો ગાંઠરૂપે એકત્રિત થઈ જાય છે અને તે નાની આંતરડી સુધી વિસ્તરે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ટ્રાઇકોટિલોમેનિયા (વાળ ખેંચવાની આદત) અને ટ્રાઇકોફેજિયા (વાળ ખાવાની આદત) સાથે સંકળાયેલી હોય છે.
બાળકી છેલ્લા ઘણા મહિનાઓથી પેટમાં દુખાવો અને ભાર લાગવો, ભોજન બાદ વારંવાર ઊલ્ટી થવી, ભૂખ ન લાગવી, ધીમે ધીમે વજન ઘટવું તેમજ એનિમિયા જેવી તકલીફોથી પીડાઈ રહી હતી. લક્ષણો સતત હોવા છતાં આ રોગનું સમયસર નિદાન થઈ શકેલ નહી. બાદમાં વિગતવાર ક્લિનિકલ તપાસ અને ઈમેજિંગ તપાસ દ્વારા પેટમાં અને આંતરડી સુધી ફેલાયેલો મોટો ટ્રાઇકોબેઝોઅર હોવાનું નિદાન થયું.
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક સર્જરી કરવાની યોજના બનાવવામાં આવી. ડો. તત્સકુમાર જોષી (MCH - પીડિયાટ્રિક સર્જરી) દ્વારા સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી, જેમાં પેટ અને નાની આંતરડીમાંથી સમગ્ર વાળની ગાંઠ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી હતી.
સર્જરી બાદ હાલ બાળકીની હાલત સ્થિર છે અને તે સારી રીતે સાજી થઈ રહી છે.
ડો. તત્સકુમાર જોષીએ જણાવ્યું કે, આટલી નાની ઉંમરે રેપન્ઝેલ સિન્ડ્રોમ જોવા મળવો અત્યંત દુર્લભ છે. સમયસર નિદાન અને યોગ્ય સર્જરી દ્વારા ગંભીર જટિલતાઓને ટાળવી શકય બની. આ કેસ બાળકોમાં અસામાન્ય વર્તણૂક અથવા લાંબા સમય સુધી ચાલતા પેટના લક્ષણો હોય ત્યારે વહેલી તકે તબીબી તપાસ કરાવવાની જરૂરિયાત દર્શાવે છે.
આ દુર્લભ કેસની સફળ સારવાર આરવ પીડિયાટ્રિક સર્જિકલ હોસ્પિટલની સંકલિત ટીમ મહેનતનું પરિણામ છે. આ ટીમમાં ડો. તત્સકુમાર જોષી (MCh- પીડિયાટ્રિક સર્જરી), ડો. પ્રતિક દોશી (MD), ડો. ધ્રુવ દેસાઈ (MD), ડો. જલ્પા ગોજિયા (મેડિકલ ઓફિસર) તેમજ આરવ હોસ્પિટલની નિષ્ઠાવાન ર્નસિંગ અને સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, જેમણે નિદાનથી લઈને સર્જરી બાદની સારવાર સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
આ કેસ માતા-પિતા અને સંભાળ રાખનારાઓ માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે બાળકોની વર્તણૂકની આદતો પર ધ્યાન રાખવું અને લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તરત તબીબી સલાહ લેવી જરૂરી છે.
(3:39 PM IST)










