<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સિવિલ હોસ્પિટલના મહિલા તબિબેે સફાઇ કામ માટે ખુલ્લા રાખેલા રૂમમાંથી ૧ાા લાખના દાગીના ચોરાયા

રૂડા બિલ્ડીંગ પાસે પી. જી. હોસ્ટેલ બિલ્ડીંગમાં ચોરીના બનાવથી ચકચાર મુળ સુરેન્દ્રનગરના સિનીયર રેસીડેન્સ ડો. શાહનુબેન ગોવાણી સવાને નવ વાગ્યે નોકરી પર ગયા, એક વાગ્યે પરત આવ્યા ત્યારે કબાટ વેરવિખેર મળ્યોઃ પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૭: શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા સીનિયર મહિલા રેસીડન્ટ ડોકટરના હોસ્ટેલ રૂમમાંથી ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી જતાં પોલીેસે તપાસ શરૂ કરી છે. તસ્કરો ે મેડિકલ પી.જી. હોસ્ટેલના રૂમમાંથી કુલ રૂપિયા ૧,૫૫,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી ગયા છે.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે મુળ સુરેન્દ્રનગર અનુપમ સોસાયટીના અને હાલ જામનગર રોડ રૂડા બીલ્ડીંગ પાસે પી.જી. હોસ્ટેલ રૂમ નં. ૫૨૪માં રહેતાં ડો. શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.૨૮)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ડો. શાહનુબેન ગોવાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૬મીએ સવારે નવ વાગ્યે તે પોતાની ડ્યુટી પર ગયા હતા. રૂમમાં સફાઈ કરવાની હોવાથી તેમણે દરવાજો ખુલ્લો રાખી માત્ર આગળિયો મારેલો હતો.

ત્યારબાદ બપોરે એક વાગ્યે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો જોતા ચોરી થયાની ખબર પડી હતી. તેમણે કબાટમાં જોતાં સોનાની બુટ્ટી ૧ જોડી આશરે ૦૫ ગ્રામ કિમત  ૭૫,૦૦૦, સોનાનું નેકલેસ એક નંગ આશરે ૦૩ ગ્રામ કિંમત ૨૫,૦૦૦, સોનાનુ બ્રેસલેટ ૧૮ કેરેટ આશરે ૦૩ ગ્રામ કિમત ૩૫ હજાર, સોનાની રીંગ એક આશરે ૦૨ ગ્રામ કિંમત ૨૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૫૫,૦૦૦ના દાગીના ગાયબ હતાં.

મહિલા ડોકટરની ગેરહાજરીનો લાભ લઈ કોઈ તસ્કરો રૂમમાં પ્રવેશ્યો હતો અને કબાટમાં રાખેલા દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પ્ર.પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. એન. ગમારાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:31 PM IST)