<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

હૃદય બંધ પડી જતાં સફાઇ કામદાર મહિલા સહિત ત્રણ લોકોના મૃત્‍યુ

પરસાણાનગર, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, પંચશીલ સોસાયટીના પરિવારોમાં શોકઃ એકતા સોસાયટીના વૃધ્‍ધાનું બેભાન હાલતમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૭: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. જામનગર રોડ પર પરસાણાનગર-૧૦માં રહેતાં મનપાના સફાઇ કામદાર મહિલા મંજુબેન વેલજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

મંજુબેન વોર્ડ નં. ૯માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. ચાર મહિના બાદ તેઓ નિવૃત થવાના હતાં. સંતાનમાં બે દિકરા છે. પતિ નિવૃત સફાઇ કામદાર છે. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ભોમેશ્વર જાગૃતી શ્રમજીવી સોસાયટીમાં રહેતાં શોભનાબેન બાલકૃષ્‍ણભાઇ ભોંસલે (ઉ.વ.૫૭) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં મોરબી રોડ પંચશીલ સોસાયટીમાં જકાતનાકા પાસે રહેતાં નિતીનભાઇ નરસીભાઇ રાઠોડ (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. બી-ડિવીઝન પોલીસે કાર્યાવહી કરી હતી.

ચોથા બનાવમાં પરા પીપળીયા એકતા સોસાયટી ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં રંજનબેન બિહારીલાલ પટેલ (ઉ.વ.૭૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:18 PM IST)