<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજકોટના આંગણે ઇતિહાસ રચાશેઃ એશિયાનો સૌથી મોટો ‘ઇન્‍ડિયન કેટલ શો - ૨૦૨૬'

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ઈન્‍ડીયન કેટલ શો નું ઉદ્‌ઘાટનઃ શંકરભાઈ ચૌધરી, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતતિ ગાય, ગામડું અને ખેતીના ઉત્‍થાન માટે રેસકોર્સના મેદાનમાં જામશે ગૌ-સંવર્ધનનો મહાકુંભઃ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી (શુક્ર થી રવિ) ભવ્‍યાતિભવ્‍ય આયોજનઃ બ્રાઝિલના ૯૯ વર્ષ જૂના મોડેલથી પ્રેરિત થઈ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સ્‍વદેશી' મંત્રને સાકાર કરવા IFIZCI અને ICSની ટીમ સજ્જઃ લાખોના ઇનામો અને દેશી ગૌ-વંશનું અદભૂત પ્રદર્શન

રાજકોટઃ રંગીલા રાજકોટના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે આગામી ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એક એવી ઐતિહાસિક ઘટના આકાર લેવા જઈ રહી છે જે સમગ્ર એશિયામાં ગૌ-વંશના સંવર્ધન માટે માઈલસ્‍ટોન સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના સ્‍વપ્નને અને ‘હર ઘર સ્‍વદેશી' ના નારાને ચરિતાર્થ કરવા માટે આઈ.એફ઼આઈ.ઝેડ.સી.આઈ. (IFIZCI) અને આઈ.સી.એસ. (ICS) દ્વારા ભારતનો પ્રથમ ‘ઇન્‍ડિયન કેટલ શો' યોજાવા જઈ રહ્યો છે.

આ અંગે માહિતી આપવા આજે યોજાએલ પત્રકાર પરીષદમાં આગેવાનોએ જણાવેલ કે છેલ્‍લા ૯૯ વર્ષથી બ્રાઝિલમાં યોજાતા ગૌ-વંશ પ્રદર્શનથી પ્રેરણા લઈ, ભારતમાં પ્રથમવાર રાજકોટની ધરતી પર આ ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આ શો માત્ર પ્રદર્શન નથી, પરંતુ ભારતીય ગૌ-વંશની ૮૦થી વધુ પ્રજાતિઓને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો નમ્ર પ્રયાસ છે. ખેડૂતો અને પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ગૌ-પાલન માટે માર્ગદર્શન આપી, દેશના અર્થતંત્રને આ પ્રદર્શનની ભવ્‍યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર ગુજરાતમાંથી ૮૦૦૦ થી વધુ ગૌ-વંશનું રજીસ્‍ટ્રેશન થયું છે, જેમાંથી કડક પસંદગી પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ ૨૦૦ ગૌ-વંશને મેદાનમાં ઉતારવામાં આવશે.

ગાય અને નંદી સ્‍પર્ધાઃ શ્રેષ્ઠ દુધારું ગાય, સુંદરતામાં અવ્‍વલ ગાય, શ્રેષ્ઠ નંદી અને બે દાંત ધરાવતા વાછરડા-વાછરડીઓ વચ્‍ચે રસાકસીભરી સ્‍પર્ધા યોજાશે.

 ચેમ્‍પિયન ઓફ ધ શોઃ આ હરીફાઈના વિજેતાઓને લાખો રૂપિયાની ઇનામી રાશિ અને ‘ચેમ્‍પિયન ઓફ ધ શો ૨૦૨૬' ના ખિતાબથી નવાજવામાં આવશે.

૨૦ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે આ મહાકુંભનું ઉદ્ધાટન ગુજરાત  રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે થશે. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે શ્રી શંકરભાઈ ચૌધરી (અધ્‍યક્ષ - ગુજરાત વિધાનસભા) શ્રી હર્ષભાઈ સંઘવી (ગૃહ રાજ્‍યમંત્રી, ગુજરાત) શ્રી પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદ, રાજકોટ) શ્રી જીતુભાઈ વાઘાણી (પૂર્વ મંત્રી) સહિતના અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહેશે.

સાથે જ, જૂનાગઢ અને ચાંપરડાના પરમ પૂજ્‍ય સંતો જેવા કે મુક્‍તાનંદ બાપુ, શેરનાથ બાપુ અને મહેન્‍દ્રનંદગીરી બાપુના આશીર્વચન આ કાર્યક્રમને આધ્‍યાત્‍મિક ઊંચાઈ આપશે. રાજવી પરિવારોના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહી ગૌ-વંશના વારસાને પ્રોત્‍સાહન આપશે.

ગૌ-EXPO ગૌ-આધારિત આયુર્વેદિક ચીજવસ્‍તુઓ, ઓર્ગેનિક ખેતીના સાધનો અને પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્‍તુઓના સ્‍ટોલ્‍સ આકર્ષણનું કેન્‍દ્ર રહેશે.

વિન્‍ટેજ પ્રદર્શનઃ ઇતિહાસની ઝલક આપતી વિન્‍ટેજ કાર અને વિન્‍ટેજ ટ્રેક્‍ટરોનું પ્રદર્શન મુલાકાતીઓ માટે મનોરંજન પૂરું પાડશે.

સૂફી સંગીત સંધ્‍યાઃ ૨૧ ફેબ્રુઆરીની સાંજે ૭:૩૦ કલાકે વિશ્વવિખ્‍યાત લોકગાયક હાર્દિકભાઈ દવે પોતાની આગવી શૈલીમાં ભજન અને લોકસાહિત્‍યની રમઝટ બોલાવશે.

આ કાર્યક્રમના માધ્‍યમથી ‘પંચ પરિવર્તન' એટલે કે સ્‍વદેશી જાગરણ, પર્યાવરણ રક્ષા અને નાગરિક કર્તવ્‍ય જેવા પાયાના મૂલ્‍યોને સમાજમાં દ્રઢ કરવાનો સંકલ્‍પ લેવાયો છે. રવિવારે ૨૨ ફેબ્રુઆરીએ ભવ્‍ય ઇનામ વિતરણ અને રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

રાજકોટની જાહેર જનતાને આઈ. એફ.આઈ.ઝેડ.સી.આઈ અને આઈ.સી. એસ. દ્વારા આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં પત્રકાર મીલનમાં સર્વ શ્રી કિશોરભાઈ ઓડેદરા, હર્ષીતભાઈ કાવર, અંકુરભાઈ સુતરીયા, દેવાભાઈ ટોયટા, વીરભાઈ ખારા, કુણાલભાઈ સોલંકી, અજયભાઈ અમિન, કેયુરભાઈ કાનગડ, ભરતભાઈ પટેલ, અરજણભાઈ ઓડેદરા, વિજયભાલ્‍ ડેર, દિલીપભાઈ તંત્તી, દેવરાજસિંહ પરમાર, પાર્થભાઈ વાળા અને મનહરભાઈ સાદરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:35 PM IST)