તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
મેહુલનગરના અલ્પેશભાઇ ડોબરીયા જ્યુબીલી બગીચામાં બેભાનઃ મોત
ભત્રીજાની હત્યામાં પત્નિ જેલમાં ગયા બાદ રખડતું જીવન જીવતાં'તા :મૃતકના પત્નિ પારૂલે દેરાણીના દિકરાની હત્યા કરતાં આજીવન સજા પડી છેઃ ગત દસમીએ જ જેલમાંથી સિવિલમાં સારવારમાં આવી હતી

રાજકોટ તા. ૧૮: શહેરના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેણાંક ધરાવતાં અને ભત્રીજાની હત્યા બાદ પત્નિ જેલમાં ગયા પછી રખડતું જીવન જીવતાં આધેડ જ્યુબીલી બગીચામાં બેભાન થઇ જતાં મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ જ્યુબીલી બાગમાં એક આધેડ બેભાન પડયા હોઇ સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં. એ-ડિવીઝન પોલીસની તપાસમાં આ આધેડ મેહુલનગરમાં રહેતથાં અલ્પેશભાઇ ડોબરીયા હોવાનું ખુલ્યું હતું. તેના સગાને જાણ કરી મૃતદેહની ઓળખવિધી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ અલ્પશેભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો છે.
સાત વર્ષ પહેલા અલ્પેશભાઇની પત્નિ પારૂલે પોતાના જ દિયરના દિકરા ખુશાલ (ઉ.વ.૩)ની હત્યા કરાવી નાખી હતી. આ ગુનામાં તેણીને આજીવન કેદની સજા પડી છે. દેરાણીના દિકરાને જ ઘરમાં સારી રીતે રખાય છે અને પોતાના દિકરા તરફ ધ્યાન અપાતું નથી તેવું લાગતાં ગુસ્સામાં પારૂલે દેરાણીના દિકરાની હત્યા કરી હતી. તેણી જેલમાં ગઇ ત્યારથી પતિ અલ્પેશભાઇ રખડતું જીવન જીવે છે. આમ છતાં તેના ભાઇ તેનું ધ્યાન રાખતા હતાં. ગત દસમીએ જ પારૂલ જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ હતી. જેમાં તેણી ચક્કર આવ્યા બાદ બેભાન થતાં સારવારમાં ખસેડાઇ હતી. અલ્પેશભાઇનું મોત હાર્ટએટેકથી થયું કે બિમારીથી? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(3:31 PM IST)










