તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સમાધાનના નામે વિમાનગરના આબેદાબેન અલાણા પાસે ૨૦ લાખની પઠાણી ઉઘરાણીઃ ખૂનની ધમકી
ભુતકાળમાં કેસમાં મદદ કરી તે માટે ૨.૧૧ લાખ લઇ લીધા પછી પણ અમારે તમારા કારેં ખર્ચો થયો છે, અમને પૈસા દેવા પડશે કહી અનવર દારૂવાલા, તેના દિકરા, દિકરીએ સતત ધમકીઓ દેતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: શહેરના રૈયા રોડ પર વિમાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને જૂના કેસમાં સમાધાન કરાવી આપ્યાના બહાને પિતા, પુત્ર અને પુત્રીએ મળીને માનસિક ત્રાસ આપી, પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. અગાઉ ૨.૧૧ લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં, વધુ ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે વીમાનગર-૨ આઇ મકાન ખાતે રહેતાં આબેદાબેન હારૂનભાઇ અલાણા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી અનવર અબ્દુલકાદર દારૂવાલા, વાજીદ અનવર અબ્દુલકાદર દારૂવાલા અને અનવર દારૂવાલાની દિકરી જીલેખા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી આબેદાબેન અલાણાએ નોંધાવેલી વિગત મુજબ વર્ષ ૨૦૨૦માં તેમના ભાઈ અફઝલભાઈના લગ્ન જીવનમાં ચાલી રહેલા ઝઘડામાં અનવર અબ્દુલ કાદર દારૂવાલાએ સમાધાન કરાવવાની જવાબદારી લીધી હતી. જો કે સમાધાન કરાવવાને બદલે અનવર દારૂવાલાએ સામાપક્ષ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં વળતી ફરિયાદ થઈ હતી. આ કેસમાં આબેદાબેનના ભાઈ સાજીદભાઈ (હાજીભાઈ) હાજર ન હોવા છતાં તેમનું નામ આરોપી તરીકે આવ્યું હતું. ત્યારબાદ આ કેસ ચાલતો હતો ત્યારે અનવર દારૂવાલા અવારનવાર ખોટા ખર્ચાઓ બતાવી સાજીદભાઈ પાસેથી પૈસા પડાવતો હતો. વર્ષ ૨૦૨૩માં સાજીદભાઈએ રૂપિયા ૨.૧૧ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, અનવર દારૂવાલા અને તેનો પુત્ર વાજીદ દારૂવાલા સતત ફોન પર અને રૂબરૂ મળીને તમારા હિસાબે અમારે ઘણો ખર્ચ થયો છે તેમ કહી વધુ ૨૦ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
કોર્ટ દ્વારા આ કેસમાં સાજીદભાઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં, સામાવાળા શખ્સો માન્યા ન હતા. તેઓએ સાજીદભાઈના મિત્ર ફિરોઝભાઈ પાસેથી લેવાના નીકળતા ૭ લાખ રૂપિયા પણ પોતે લઈ લેવા માટે ધાક-ધમકી આપી હતી. તેમજ અનવરની દીકરી જીલેખાએ પણ ફોન કરીને આબેદાબેન સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વારંવારની ધમકીઓ અને ૨૦ લાખ રૂપિયા ન આપે તો જાનથી મારી નાખશું તતેવી ગંભીર ધમકી મળતાં અંતે આબેદાબેને પોલીસને જાણ કરી હતી. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ એસ. જી. ગોસાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(3:34 PM IST)










