તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના
જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તેમજ રાજકોટની આખરી નગર રચના યોજના નં. ૬ના ૧૫ મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની રસ્તા રેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
શહેરના સર્વાંગી વિકાસ, ટ્રાફિક સુવિધા, નાગરિકોની સલામતી અને પૂરપ્રતિકારક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજી નદીના પટ્ટામાં તથા ટી.પી. રોડની નિર્ધારિત માર્ગરેખામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો શહેરના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બનતા હોવા ઉપરાંત વરસાદી મોસમ દરમિયાન પાણીની અવરજવર અને પૂર નિયંત્રણમાં પણ અડચણરૂપ બને છે.
આ બાબતે સંબંધિત મિલ્કતધારકોને અગાઉથી સમયાંતરે નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવેલ છે અને સ્વયં દબાણ દૂર કરવાની તક આપવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કેટલાક સ્થળોએ દબાણો દૂર કરવામાં આવ્યા નથી.
તેથી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રેસ નોંધ મારફતે અંતિમ સૂચના આપવામાં આવે છે કે જેઓના કબ્જા/ભોગવટામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો/દબાણો નિર્ધારિત માર્ગરેખા કે નદી પટ્ટામાં આવે છે, તેઓએ આજથી દિન-૩માં સ્વખર્ચે સ્વયં દબાણ દૂર કરી લેવું.
જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૨/૨૦૨૬થી ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન થનાર ખર્ચ તેમજ સામગ્રીના નુકસાન માટે સંબંધિત મિલ્કતધારક જવાબદાર રહેશે.
નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને સ્વચ્છ, સુરક્ષિત રાજકોટના નિર્માણ માટે મહાનગરપાલિકાને સહકાર આપો. ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને કાયદેસર વિકાસકાર્યોને પ્રોત્સાહન આપો, જેથી માર્ગ વ્યવસ્થા સુદ્રઢ બને, ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળે અને નદી વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત રહે.
(8:29 PM IST)










