તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
એક કરોડ ૩૬ લાખની ઉચાપતના ર૦ વર્ષ જુના કેસમાં નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના પુર્વ ચેરમેન કિરીટ પાઠક સહિત ત્રણને જેલની સજા
કિરીટ પાઠક ઉપરાંત પુર્વ શાસનાધિકારી ભાલચંદ વ્યાસને બે-બે વર્ષની સજા : એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને ચાર વર્ષની સજાઃ ખોટા ચેકનો ઉપયોગ કરી શિક્ષકો અને સ્ટાફના નામે નાણા ઉપાડીને ઉચાપત કરાઇ હતી

રાજકોટ, તા., ૧૯ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સરકારી નાણાં રૂ.૧,૩૬,૩૫,૭૧૦ની ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત અને પુરાવાનો નાશ કરવા સંબંધિત બહુચર્ચિત કેસમાં રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. શહેર ભાજપના અગ્રણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવળત્ત લીગલ ઓફિસર તથા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિરીટ મુળશંકર પાઠક, પૂર્વ શાસનાધિકારી ભાલચંદ્ર ભાનુશંકર વ્યાસ તથા એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર વાસુદેવ દવેને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે. કોર્ટે કિરીટ પાઠક તથા ભાલચંદ્ર વ્યાસને ૨-૨ વર્ષની કેદ અને જગદીશચંદ્ર દવેને ૪ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે વર્ષ ૧૯૯૬-૯૭ થી ૩૦-૬-૨૦૦૫ દરમિયાન આરોપીઓએ મીલાપીપણું કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નિયમિત ખાતું ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપ. બેન્ક, ઉદ્યોગનગર શાખામાં શરૂ કરાયા બાદ અગાઉનું ઓરિએન્ટ બેન્ક ઓફ કોમર્સ, નિર્મલા સ્કૂલ રોડ સ્થિત ખાતું બંધ કરવાનું હતું. પરંતુ આરોપીઓએ ઇરાદાપૂર્વક તે ચાલુ રાખ્યું હતું. તત્કાલીન શાસનાધિકારી ડી.એન. ભૂવતરા અને ચેરમેન હિતેષ પંડયાની સહીવાળા ચેક પાછળથી સહી કરી નાણાં ઉપાડી અંગત ઉપયોગમાં વપરાયા હતા અને રેકોર્ડમાં નોંધ કરાઈ નહોતી.
આ ઉપરાંત શિક્ષકો અને સ્ટાફના નામે પણ નાણાં ઉપાડી, ખોટા ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કુલ રૂા.૧,૩૬,૩પ,૭૧૦ની ઉચાપત કરાઈ હતી. આરોપી ભાલચંદ્ર વ્યાસ અને કિરીટ પાઠક હોદ્દા પર ન હોવા છતાં કેટલાક ચેક પર સહી કરી નાણાં ઉપાડયા હોવાનું પણ બહાર આવ્યું હતું. આ અંગે તત્કાલીન શાસનાધિકારી નટવરલાલ દુર્લભજી ગોંડલિયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારી હતી.
આ ગુનામાં સંડોવાયેલ ધર્મિષ્ઠાબેન પંડયા હજુ ફરાર હોવાનું કેસની સુનાવણી દરમ્યાન બહાર આવ્યું હતું.
આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી આર.આર.સિંધીએ રજુઆત કરી હતી.(૪.૪)
આરોપી જગદીશ દવે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
કોર્ટે નોંધ્યું હતું કે, જગદીશચંદ્ર દવે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીએ હાઈકોર્ટના ખોટા હુકમો રજૂ કરી નિવળત્તિ લાભો મેળવ્યા હોવાનું પણ રેકોર્ડ પર આવ્યું હતું. અન્ય આરોપીઓએ મદદગારી કરી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં ભૂમિકા ભજવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. (૪.૪)
હોદ્દા વિના ચેકમાં સહી કરી નાણાં ઉપાડયા
સરકારી વકીલ રમીઝ સિંધીએ દલીલ કરી હતી કે, આરોપી ભાલચંદ્ર વ્યાસ અને કિરીટ પાઠકે હોદ્દા પર ન હોવા છતાં બેન્કચેક પર સહી કરી નાણાં ઉપાડયા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપી તેમણે આ કેસને રેરેસ્ટ કેટેગરીનો ગંભીર ઉચાપત કેસ ગણાવ્યો હતો અને મહત્તમ સજાની માગણી કરી હતી. સરકારી વકીલ રમીઝ આર. સિંધીએ તપાસ અધિકારી સહિત કુલ ૪૨ સાક્ષીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા તથા ૯૪ દસ્તાવેજી પુરાવા દાખલ કર્યા હતા. જેને ધ્યાનમાં લઇ ૮મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇમ્તિહાના મહમદસફી શેખે આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯ અને ૧૧૪ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
(2:42 PM IST)










