તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
રાજકોટની ભાગોળે સિંહ જોવા ટીકીટના દર સૂચવાયાઃ કાલે ફેંસલો
લાયન સફારી પાર્કમાં પ્રવેશની કિંમત અંગે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત : પ્રધ્યુમન પાર્કમાં એન્ટ્રી ફી બમણાથી વધુ કરવા દરખાસ્તઃ ૧ર વર્ષ સુધીના બાળકોના ૧૦ માંથી ર૦, તેથી વધુ ઉંમર માટે ર૦ ના પ૦, સીનીયર સીટીઝનના ૧૦ માંથી ર૦ તથા વિદેશી વ્યકિતના ૧૦૦ માંથી ૩૦૦ કરવા સૂચનઃ કામ સંપુર્ણ થયા પહેલા જ દર નકકી કરતું તંત્ર

રાજકોટ તા. ૧૯: શહેરના ભાગોળે પ્રધ્યુમન પાર્ક બાદ લાયન સફારી પાર્કનું કામ ૮૦ ટકા પૂર્ણ થવામાં છે ત્યારે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં તેના એન્ટ્રીના ભાવ અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે. સાથે જ પ્રધ્યુમન પાર્કના પ્રવેશ દર વધારવા અંગે દરખાસ્ત પણ રજુ કરાઇ છે.
જેમાં લાયન સફારી પાર્ક માટે ૩ વર્ષ સુધીના બાળકોનો પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જયારે તેથી વધુના રૂ. ૧૦૦, વિદેશી નાગરિકના ૬૦૦, વિદ્યાર્થી ગ્રુપમાં પ્રતિ વ્યકિત રૂ. પ૦, લાયન સફારી પાર્ક અને ઝુની સાથે મુલાકાત લેવા માટે રૂ. ૧૩૦, સૂચવાયા છે. જયારે પરદેશી નાગરિક માટે બન્નેની સાથે મુલાકાતના રૂ. ૮૦૦ લેવા ભલામણ કરાઇ છે. જયારે દિવ્યાંગનો કોઇપણ ચાર્જ લેવામાં આવશે નહીં.
સાથે જ પ્રધ્યુમન પાર્ક ઝુમાં ૩ થી ૧ર વર્ષના બાળકોના ૧૦ માંથી ર૦, ૧ર વર્ષથી વધુના લોકોના ર૦ માંથી પ૦, સીનીયર સીટીઝનના ૧૦ માંથી ર૦ તથા વિદેશી વ્યકિતના ૧૦૦ માંથી ૩૦૦ કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે.
જયારે છેલ્લા ૪ વર્ષ દરમિયાન ર૦રર થી ર૦રપ સુધીમાં ર૪.પ૦ લાખથી વધુ મુલાકાતીઓએ પ્રધ્યુમન પાર્ક ઝુની મુલાકાત લેતા તંત્રને ૬.રપ કરોડથી વધુની આવક થવા પામી છે.
શહેરની ભાગોળે આવેલ રાંદરડા નર્સરી તરફ ૨૯ હેકટરની જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા મનપા તંત્ર ગત બજેટમાં ૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. કમિટિ રૂમમાં સ્ટેન્ડીંગ મિટીંગ યોજાશે.
શહેરમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝુ ખાતે મુલાકાત માટે આવે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ - સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકોટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ સર્વે નં. ૧૪૪, ૧૪૫, ૧૫૦ તથા ૬૩૮ મળી કુલ અંદાજે ૩૮ હેકટર જમીન પૈકી ૨૯ હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાનું કામ પ્રગતિમાં છે.
આ લાયન સફારી પાર્કનું કામ કુલ બે વર્ષ જેટલું ચાલવાનું હતું. હાલ જેનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું છે. ઉપરાંત ઝૂ ઓથોરીટી દ્વારા સ્થળ મુલાકાત પણ કરવામાં આવી છે.
આમ રંગીલા રાજકોટની પ્રજાને પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના ફરવા લાયક સ્થળોમાં લાયન સફારી પાર્કનો ઉમેરો નજીકના ભવિષ્યમાં થનાર છે. (૭.૯)
(2:44 PM IST)










