તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
દારૂડીયા પતિને બીજી સાથે લફરૂ છોડવાનું કહેતાં તેણે કહ્યું-એને તો રાખીશ, તારે જવું હોય તો જા!
રાધીકા પાર્કમાં રહેતી ગોપીબેનની સામે કાંઠે રહેતાં સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ : સાસુએ તે દિકરીને શું કામ જન્મ આપ્યો કહી મેણાટોણા માર્યાઃ જેઠે ખોટી અરજીઓ કરી હેરાન કર્યાનો આરોપઃ મહિલા પોલીસે પતિ સાગર લીંબાસીયા, સાસુ હંસાબેન, જેઠ દુર્ગેશભાઇ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ રેલ્વે ફાટક નજીક સેન્ટમેરી સ્કૂલ પાસે રાધીકા પાર્ક-૧માં પતિ-બાળકો સાથે રહેતી ગોપીબેન સાગરભાઇ લીંબાસીયા (ઉ.વ.૩૨) નામની પરિણીતાને પતિ તેમજ સંતકબીર રોડ બાલકૃષ્ણ સોસાયટી સિંગલીયા ક્વાર્ટરમાં રહેતાં સાસુ, જેઠ દ્વારા ત્રાસ આપવામાં આવતાં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિને દારૂની ટેવ હોવાનું અને અન્યસ્ત્રી સાથે લફરૂ હોવાનો તેમજ દિકરીનો જન્મ થતાં સાસુએ દિકરી શા માટે જન્મી? કહી મેણા માર્યાનો અને જેઠે ખોટી અરજીઓ કરી હેરાન કર્યાનો આરોપ મુકાયો છે.
આ બારામાં પોલીસે ગોપીબેનની ફરિયાદ પરથી તેણીના પતિ સાગરભાઇ લીંબાસીયા, સાસુ હંસાબેન રમેશભાઇ લીંબાસીયા અને જેઠ દુર્ગેશભાઇ રમેશભાઇ લીંબાસીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ગોપીબેનને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન ૨૭ માર્ચ ૨૦૧૪ના રોજ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ સાગર રમેશભાઇ લીંબાસીયા સાથે થયા હતા. લગ્નના શરૂઆતના છ મહિના બાદ જ પતિ દારૂ પીવાની કુટેવને કારણે નાની-નાની વાતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા. સાસરી પક્ષમાં સંયુક્ત પરિવારમાં રહેતી ગોપીબેનને સાસુ દ્વારા પણ તને કામ આવડતું નથી તેમ કહી મેણા-ટોણા મારી ઘરની બહાર કાઢી મુકવાની ધમકીઓ અપાતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ગોપીબેને જ્યારે દીકરી ધ્યાનાને જન્મ આપ્યો ત્યારે સાસુ હંસાબેને ‘દીકરી કેમ જન્મી?' તેમ કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ દીકરીના જન્મના માત્ર ૧૫મા દિવસે સાસુએ ઝઘડો કરી વહુનું મોઢું દબાવી મારકુટ કરી હતી. ગોપીબેન તેના પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ગામડે ગયા ત્યારે પતિએ બાળકોની હાજરીમાં દારૂ પીધો હતો. જ્યારે ગોપીબેને આ અંગે ટોકયા ત્યારે પતિએ જાહેરમાં તેમને આંખ પર ઝાપટ મારી દીધી હતી. ૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ ગોપીબેનને જાણવા મળ્યું હતું કે તેના પતિ સાગરને અન્યસ્ત્રી સાથે સંબંધ છે. આ બાબતે પુછતા પતિએ સુધરવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે-તેને તો હું રાખીશ જ, તારે જવું હોય તો જા.
આ પછી ગોપીબેને અગાઉ ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ૧૮૧ અભયમની મદદથી સમાધાન કરી ગોપીબેન પરત સાસરે આવ્યા હતા. પતિએ દારૂ છોડવા અને સુધરી જવાની ખાતરી આપી હતી, પરંતુ થોડા જ દિવસોમાં તે ફરી મોડી રાત્રે ઘરે આવવા લાગ્યા અને બાળકોના અભ્યાસ તેમજ ઘરખર્ચની જવાબદારી ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તે પિયર હતી ત્યારે પણ તેનો પતિ તે અન્યસ્ત્રીને ઘરે લાવતો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે તેમના જેઠ દુર્ગેશભાઇ લીંબાસીયાએ પણ તેમની વિરૂધ્ધ ખોટી અરજીઓ કરી કોર્ટ-કચેરીના ધક્કા ખવડાવ્યા હતા, જેના કારણે બાળકોનું ભણતર પણ બગડ્યું હતું. સતત મેણા-ટોણા અને શારીરિક-માનસિક ત્રાસ સહન કર્યા બાદ અંતે હવે ફરિયાદ દાખલ કરાવી હતી. એએસઆઇ કે. બી. રાઠોડે તપાસ હાથ ધરી છે.
(4:15 PM IST)










