તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
મોજશોખ માટે હેન્ડલ લોક વગરના ચાર વાહનો ચોર્યાઃ યુનિવર્સિટી પોલીસે ૪ને પકડયા
અન્ય કામગીરીમાં બી-ડિવીઝન પોલીસનો વાહન ચોરીનો ગુનો પણ ઉકેલ્યો

રાજકોટ તા. ૧૯: મોજશોખ માટે વાહનચોરીના રવાડે ચડેલા ચાર શખ્સોને યુનિવર્સિટી પોલીસે પકડી લીધા છે. આ ચારેય રેકી કર્યા બાદ હેન્ડલ લોક વગરના વાહનો ઉઠાવી લેતાં હતાં.
વાહનચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવા ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોહિત, અક્ષય, કશ્યપ નામના ત્રણ શખ્સોએ યુનિવર્સિટી રોડથી ટીટોડીયા રોડ પર છે અને તે વાહન ચોરીમાં સામેલ છે. બાતમી પરથી ત્રણેયને જીજે૦૩કેજે-૦૫૪૯ નંબરના હોન્ડા શાઇન બાઇક તથા જીજે૩૨એન-૩૧૯૧ નંબરના સ્પ્લેન્ડર સાથે પકડી આકરી પુછતાછ કરતાં આ સિવાયના અન્ય બે બાઇકની ચોરી પણ કબુલતાં પોલીસે ૧,૬૦,૦૦૦ના કુલ ચાર વાહનો કબ્જે કર્યા હતાં. અન્ય વાહનોમાં એક્સેસ નં. જીજે૦૩એનક્યુ-૪૩૪૩ અને યામાહા જીજે૦૩એનડી-૪૨૩૨ જપ્ત થયા છે.
પોલીસે ચાર શખ્સો મોહીત ચનાભાઈ સોલંકી (રહે. મારૂતિનગર-૨ વિશ્વેશ્વર મંદિર પાછળ), અક્ષય મહેશભાઈ વ્યાસ (રહે. નવલનગર, રાજકોટ; મૂળ વાવડા, જસદણ), કશ્યપ શૈલેષભાઈ જોશી (રહે. ચંદન પાર્ક, રાજકોટ) અને યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. મિલ કોલોની, વાંકાનેર)ની ધરપકડ કરી છે. રેકી કર્યા બાદ હેન્ડલ લોક વગરના વાહનો ઉઠાવી લેતાં હતાં.
ડીસીપી રાકેશ દેસાઇ તથા ઇન્ચાર્જ એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીઆઇ એચ.એન.પટેલ, પીએસઆઇ વી.જી.ડોડીયા, એએસઆઇ જગમાલભાઈ ખટાણા, હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ સુખદેવસિંહ, વનરાજભાઈ લાવડીયા, પ્રવિણભાઈ જતાપરા, દિવ્યરાજસિંહ ટેમભા, પ્રાદિત્યસિંહ ઝાલા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ધારાબેન મેઘાણીએ કરી હતી.
આ ઉપરાંત બી-ડિવીઝન પોલીસની હદમાં થયેલી વાહન ચોરી પણ ઉકેલી પેડક રોડ આવાસ યોજનામાં રહેતાં શિવમ્ ઉર્ફ શીવલો રમેશભાઇ વારોદરા (ઉ.વ.૨૦)ને પકડી લઇ વાહન કબ્જે કર્યુ છે. અટલ સરોવર પાસેથી આ શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો હતો. તેને વધુતપાસ માટે બી-ડિવીઝનમાં સોંપાયો છે. હેડકોન્સ. મુન્નાભાઇ ઢાપા અને નિલેષભાઇ વાવેચાની બાતમીથી પીએસઆઇ આઇ. એ. બેલીમ, જેન્તીભાઇ રાઠોડ સહિતે આ કામગીરી કરી હતી.
(3:07 PM IST)










