તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
હોન્ડાચાલકને બચાવવા જતાં જલારામ ચોકમાં રિક્ષા પલ્ટી ગઇઃ ચાલક મુનેશભાઇ ચાવડાનું મોત
ગાયત્રીનગર પાસે બનાવઃ પ્રિયદર્શની સોસાયટીના યુવાનના મોતથી પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯: ભક્તિનગર સર્કલથી ગાયત્રીનગર તરફ જવાના રસ્તે જલારામ ચોકમાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક મવડી વિસ્તારના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. હોન્ડાચાલક અચાનક આડે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં રિક્ષા પલ્ટી ગયાનું જણાવાયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ મવડી ઓમનગર સર્કલ પાસે પ્રિયદર્શની સોસાયટી-૧માં રહેતાં મુનેશભાઇ લાલજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦) નામના યુવાન ૧૫મીએ બપોરે દોઢેક વાગ્યે જલારામ ચોકમાંથી રિક્ષા લઇને પસાર થઇ રહ્યા હતાં ત્યારે રિક્ષા પલ્ટી મારી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ગત મોડી રાતે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મુનેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના અને અપરિણીત હતાં. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સગાએ જણાવ્યું હતું કે રોડ પર એકાએક એક હોન્ડાચાલક આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
(3:07 PM IST)










