તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
ભૂપેન્દ્ર રોડના સાઉન્ડ સિસ્ટમના વેપારી સાથે ભાણવડના વેપારીની ૮.૮૩ લાખની ઠગાઇ
૨૪.૨૭ લાખનો માલ ખરીદી ૧૪.૪૪ લાખ ચુકવી દીધાઃ બાકીની રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કર્યા, સતત બહાના બતાવ્યાઃ અંતે એ-ડિવીઝનમાં નેહલભાઇ વૈદ્યએ ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૧૯: શહેરના ભૂપેન્દ્ર રોડ પર સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતાં વેપારી સાથે ભાણવડ પંથકના સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થીએ માલની ખરીદી કરી અમુક રકમ ચુકવી દીધા બાદ ૮,૮૩,૨૦૦ની રકમ ન ચુકવતાં પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક પાસે નાલંદા પાર્ક-૨ પેસેફીક એપાર્ટમેન્ટ ફલેટનં. ૩૦૨માં રહેતાં અને ભૂપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા પાસે કીંગ ઇલેક્ટ્રોનીક નામે સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતાં નેહલભાઇ હરસુખભાઇ વૈદ્ય (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી દેવભુમી દ્વારકા તાબેના ભાણવડના કબરકા ગામના નરેશ રામાભાઇ ગોજીયા વિરૂધ્ધ સાઉન્ડ સિસ્ટમનો માલ સામાન ખરીદ્યા બાદ તેના રૂા. ૮.૮૩ લાખં પરત ન આપી વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુકાયો છે.
નેહલભાઇએ નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ તેની પાસેથી ભાણવડ તાલુકાના કબરકા ગામે રહેતા અને ક્રિષ્ણા સાઉન્ડ નામે વ્યવસાય કરતા નરેશ ગોજીયાએ ગત વર્ષે સાઉન્ડ સિસ્ટમના સાધનોની ખરીદી કરી હતી. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે નરેશભાઈએ કટકે-કટકે નાણાંની ચુકવણી કરી હતી. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં આરોપીએ કુલ ૨૪,૨૭,૩૨૦નો માલ ખરીદ્યો હતો, જેની સામે તેણે રૂપિયા૧૫,૪૪,૧૦૦ જમા કરાવ્યા હતા.આ પછી હિસાબ મુજબ આરોપી નરેશભાઇ પાસે વેપારીના કુલ ૮,૮૩,૨૨૦ લેણાં નીકળતા હતા. નેહલભાઇએ જ્યારે બાકી રકમની ઉઘરાણી કરી, ત્યારે આરોપી દ્વારા વારંવાર થોડા દિવસમાં આપી દઇશ તેમ કહી ખોટા બહાના બતાવવામાં આવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતા અને વેપારીનો માલ ઓળવી જવાની દાનત જણાતા, અંતે નેહલભાઇએ પોલીસનો આશરો લીધો છે. નેહલભાઇની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ.આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:16 PM IST)










