તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
શિક્ષણને બદલે બાંધકામ ઉદ્યોગમાં ગળાડૂબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી યોજનામાં ‘ઝીરો' બજેટ ફાળવાયું
ગુજરાતની ૧પ યુનિવર્સિટીઓને નવી યોજના અને સુવિધા માટે ૩૧ લાખથી ૪૩ કરોડના બજેટની ફાળવણી : પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પણ રૂપીયો ન ફાળવાયો

રાજકોટ, તા., ૧૯: બીગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી અને તેના સહયોગી સતામંડળના સભ્યો શિક્ષણના ઉત્કર્ષને બદલે માત્રને માત્ર બાંધકામ ઉદ્યોગ વિકસાવી રહયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ ઉદ્યોગ પુરબહારમાં ખીલ્યો છે. ત્યારે વિદ્યાર્થીલક્ષી કે શિક્ષણની સુવિધા વધારવા ગુજરાત સરકારે રાજયની ૧પ યુનિવર્સિટીને અંદાજે ૩૧ લાખથી ૪૩ કરોડ રૂપીયાનું માતબર ભંડોળ ફાળવ્યું છે. પરંતુ યુનિવર્સિટીના નિષ્ફળ સતાધીશોના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટમાં એક પણ રૂપીયો ફાળવ્યો નથી.
ગઇકાલે ગુજરાત સરકારનું વાર્ષિક અંદાજ પત્ર વિધાનસભામાં રજુ થયું તેમાં યુનિવર્સિટી કક્ષાએ નવી જોગવાઇ અંગે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદને ૧.૩૧ લાખ, ભકત કવિ નરસિંહ મહેતા જુનાગઢને પ.૪૪ લાખ, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા ર.૪૮ લાખ, પાટણ યુનિવર્સિટી ૩૧ લાખ, ભાવનગર યુનિવર્સિટી ૪૧ લાખ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને ૩૭ લાખ, કચ્છ યુનિવર્સિટી ૩૯ લાખ, આઇઆઇટીઇ ગાંધીનગર ૩૧ લાખ, બરોડા યુનિવર્સિટી ૪૩.પ૦ લાખ, સુરત યુનિવર્સિટી ૧૮.પ૦ લાખ, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી ૧૮.પ૦ લાખ, ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટસ ૧૦ લાખ સહિતની રકમની ફાળવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજય સરકાર દ્વારા હવે સામાન્ય રીતે મળતી ગ્રાન્ટ અને પગાર ચુકવણું થશે. નવી યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંપુર્ણ બાકાત રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ જયાં જુઓ ત્યાં બાંધકામ ઉદ્યોગ ધમધમી રહયો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણીક પ્રવૃતિ ધીમી પડી છે. નવા સંશોધનો હવે કાગળ પર પણ નથી થઇ રહયા. માત્ર પ૦૦૦ રૂા.માં સીમેન્ટના રોડનું સમારકામ થઇ શકે ત્યારે યુનિવર્સિટીના બાંધકામ ઉદ્યોગ પ્રેમીઓ દ્વારા ૩૦૦ મીટરનો સીમેન્ટનો રોડ તોડી નાખવામાં આવ્યો છે અને લાખો રૂપીયાનું આંધણ કર્યુ છે.
(4:13 PM IST)










