<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

મેઘપર(ઝાલા)ના આંગણે ભક્‍તિનો મહાકુંભઃ મંગળવારથી ‘શ્રી રામદેવ રામાયણ માનસ કથા'

મોરબીના ટંકારા પંથકમાં સનાતન ધર્મની ધજા લહેરાશેઃ ગૌશાળાના લાભાર્થે યોજાનારા મહોત્‍સવમાં સંતો-મહંતો અને રાજકીય દિગ્‍ગજોનો જમાવડો જામશેઃ પૂ. સંતશ્રી રત્‍નેશ્વરીદેવજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેઃ ૧ માર્ચના ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા. ર૦: સૌરાષ્‍ટ્રની પવિત્ર ધરા પર જ્‍યારે ભક્‍તિ અને સેવાનો સંગમ થાય છે, ત્‍યારે આધ્‍યાત્‍મિકતાનો અનેરો માહોલ સર્જાય છે. ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે આગામી તા. ૨૪/૦૨/૨૦૨૬ થી ૦૨/૦૩/૨૦૨૬ સુધી શ્રી રામદેવપીરની જગ્‍યા, કાળુરામ બાપુના આશ્રમ ખાતે ‘શ્રી રામદેવ રામાયણ માનસ કથા' અને ‘સવરા મંડપ મહોત્‍સવ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ ગૌસેવા, વિશ્વશાંતિ અને માનવ કલ્‍યાણના ઉમદા હેતુ સાથે યોજાઈ રહ્યો છે. અમળતવાણીનો લ્‍હાવોઃ સંતશ્રી રત્‍નેશ્વરીદેવીજી કથાનું રસપાન કરાવશે.

કથાના મુખ્‍ય વક્‍તા તરીકે રામધન આશ્રમ-મોરબીના મહામંડલેશ્વર પ.પુ. સંતશ્રી રત્‍નેશ્વરીદેવીજી બિરાજશે. તેઓ પોતાની મધુર અને સંગીતમય શૈલીમાં ભક્‍તોને રામદેવજી મહારાજ અને રામાયણના પ્રસંગોનું અમળતપાન કરાવશે. કથા દરમિયાન પોથી યાત્રા, નંદ મહોત્‍સવ, રામદેવજી પ્રાગટય અને વિવાહ જેવા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

મહોત્‍સવના વિશેષ આકર્ષણ તરીકે તા. ૦૧/૦૩/૨૦૨૬, રવિવારના રોજ ભવ્‍ય સવરા મંડપનું આયોજન છે. તે જ રાત્રિએ ખ્‍યાતનામ કલાકારો પ્રીતિબેન વાજા, વિજયભાઈ ગઢવી અને સાહિત્‍યકાર રાજુભાઈ આહીર સંતવાણીની રમઝટ બોલાવશે. ભક્‍તિના આ મહાપર્વમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તે માટે મહંતશ્રી રવિરામબાપુ અને સમસ્‍ત સેવક સમાજ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ મહોત્‍સવની વિશેષતા એ છે કે કથાના સાતેય દિવસ દરમિયાન મેઘપર (ઝાલા) ગામ સંપૂર્ણ ‘ધુવાણાબંધ' રહેશે, જ્‍યાં હજારો ભક્‍તો એકસાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. ભોજન-પ્રસાદના દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી છે.

આ અવસરે પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્‍ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપી ધર્મકાર્યને બિરદાવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સરપંચ શ્રી રામદેવસિંહ ઝાલા, દિગુભા ઝાલા અને શિવશક્‍તિ ગ્રુપના કાર્યકરો દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે.

કથા વિરામઃ તા. ૦૨/૦૩/૨૦૨૬, સોમવાર.  મુખ્‍ય આકર્ષણઃ તા. ૨૭ ફેબ્રુઆરીએ નકલંક નેજાધારી રામામંડળની પ્રસ્‍તુતિ, ભોજન વ્‍યવસ્‍થાઃ સવાર, બપોર અને સાંજ - તમામ ભક્‍તો માટે સંતોષકારક સુવિધા. સ્‍થળઃ કાળુરામ બાપુનો આશ્રમ, મેઘપર (ઝાલા), તા. ટંકારા.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી રામદેવ રામાયણ માનસ કથાનું આમંત્રણ આપતા સર્વશ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા (આર્મી ઇન્‍ટેલિજન્‍સ) અને દીગુભા ઝાલા (મેઘપર) નજરે પડે છે.

(12:11 PM IST)