તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 20th February 2026
નાનામવા રોડ પર વોર્ડ ઓફીસ બનાવવાના વિરોધ સામે શાસકો ઝુકયાઃ નિર્ણય પેન્ડીંગ
મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ૧૭૫ કરોડના વિકાસકામો મંજુર : ૬૭ પૈકી બે દરખાસ્ત પેન્ડિંગ, એક રીટેન્ડરઃ વોર્ડ નં.૭,૧૪ અને ૧૭માં હાઉસ કનેકશન સાથે ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક બીછાવાશે પણ કામ ચુંટણી પછી શરૂ થશે!

શહેરના સામાકાંઠેના વિસ્તારમાં સંતકબીર રોડ પર કનકનગરમાં આવેલ મહારાણા પ્રતાપહોલ કોમ્યુનીટી હોલ ઉપરોકત તસ્વીર મુજબ આધુનીક બનાવાશે.
રાજકોટ તા.૨૦: મનપાની વર્તમાન બોડીની મુદત આગામી ૧૧ માર્ચે પૂર્ણ થઇ રહી છે. શાસકો આગામી ચૂંટણીમાં લોકોનો રોષ જોવા મળે તે પહેલા જ કોઇ વિવાદીત નિર્ણય પ્રક્રિયાથી દુર થતા જોવા મળે છે. કેમ કે, આજે મળેલ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વોર્ડ નં.૧૦ના નાનામવા રોડ પર મહાત્મા ગાંધી વિદ્યાલય પાછળ વોર્ડ ઓફીસ તથા રોશની શાખાનો સ્ટોર બનાવવા સામે સ્થાનિક કક્ષાએ વિરોધ થતા શાસકોએ આ નિર્ણય પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે. તથા વોર્ડ નં.૭,૧૪, ૧૭ના વિસ્તારોમાં હાઉસ કનેકશનર સાથે ડી.આઇ. પાઇપ નેટવર્ક માટે રૂા.૪૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ કામ ચુંટણી પછી શરૂ કરવા તાકિદ કરવામાં આવી છે.
મ્યુનિય કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બેઠક સ્ટે.કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ૬૭ પૈકી વેસ્ટઝોન વિસ્તારના જુદા-જુદા બગીચાઓ, સીનીયર સીટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી નિભાવણી કરવાનું કામમાં રીટેન્ડર
વોર્ડ નં. ૧૦માં નવી વોર્ડ ઓફીસ બનાવવા, વાણિજયહેતુ માટે તથા રહેણાંક વેચાણ હોડ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઇ-ઓકશન દ્વારા નિકાલ કરવા સહિતની ૨ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જયારે અન્ય દરખાસ્તના રૂા.૧૭૫ કરોડના વિકાસકામોને હરી ઝંડી આપવામાં આવી છે.
૩૩ બગીચાની જાળવણીમાં ૧.૧૭ કરોડનો ખર્ચ
મહાનગરપાલિકાએ વેસ્ટઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ સીનીયર સીટીઝન પાર્ક તથા બાળક્રિડાગણની એક વર્ષ માટે જાળવણી અને નિભાવણી માટેનું કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં સૌથી ઓછા ભાવ એક એજન્સીના આવેલ રૂા. ૧.૧૭ કરોડ ૩૩ બગીચાની જાળવણી માટે વધુ હોવાનું લાગતા સ્ટેન્ડિંગ કમિટિએ બગીચામાં થતાં ખર્ચ સહિતનાનો હિસાબ કરતા આ ભાવ વધુ લાગતા ફરી વખત રિટેન્ડર કરવાની સુચના આપી દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી.
નવી વોર્ડ ઓફિસનો લોકોનો વિરોધ
શહેરના સેન્ટ્રલઝોનમાં ગાંધી સોસાયટીની બાજુમાં આવેલ મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ઉપર નવી વોર્ડ ઓફિસ તથા રોશની શાખાનો સ્ટોર બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં આવતા પેન્ડિંગ રાખવામાં આવી છે. અને આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, વોર્ડ નં. ૧૦ માં જે સ્થળે વોર્ડ ઓફિસ અને સટોર બનવાનો છે તેની આજુબાજુની સોસાયટીઓના લોકોએ અહીંયા વોર્ડ ઓફિસ ન બને તેવી રજૂઆત કરી પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરતા સાચી હકીકત જાણવા માટે હાલ પુરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેના પર આગામી સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.
મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ
શહેરના વોર્ડ નં. ૬ માં આવેલ મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં એલ-૧ એજન્સી દ્વારા જે ભાવ દર્શાવામાં આવેલ તે મુજબ અગાઉ કરોડોના ખર્ચે તૈયાર થયેલ મહારાણા કોમ્યુનિટી હોલના રિનોવેશન પાછળ ફરી વખત ૧૨.૮૧ કરોડનો આંધણ કરવાનો નિર્ણય લઈ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફાયર બ્રિગેડ શાખાના ઉપયોગ માટે પાંચ એ.સી. એમ્બ્યુલન્સ સહિત કુલ ૧૧ એમ્બ્યુલન્સની ખરીદી માટેનો વધારોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ઓડીટ વિભાગના કર્મચારીઓને આસિસ્ટન્ટ ઓડિટરમાંથી ઓડિટર તરીકે બઢતી આપવાની જે દરખાસ્ત છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રાખવામાં આવતી હતી તેને આજે પેવિંગ બ્લોકના કામ માટે રૂ.૭ કરોડ, સીસી રોડના કામ માટે રૂ.૧.૦૭ કરોડ, ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.૫૮.૯૦ કરોડ, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ માટે રૂ.૧ કરોડ, બોક્સ કલ્વર્ટ અને સ્લેબ કલ્વર્ટના કામ માટે રૂ.૨.૬૦ કરોડ, નવા કોમ્યુનિટી હોલ માટે રૂ.૧૨.૮૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે રૂ.૧૭૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
(4:00 PM IST)










