તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
આપ પાર્ટી મ્યૂ. ચૂંટણીમાં કાઠું કાઢશે?
દરેક વોર્ડમાં ઝનૂનથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયાનું ચિત્રઃ કોંગ્રેસ ટાઢું બોળ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે અત્યંત મહત્વની પુરવાર થશે તેવું રાજકીય વર્તુળો જણાવી રહ્યા છે. હાલ જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં દરેક પક્ષ પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે મહેનત કરી રહ્યો છે. જેના ભાગરૂપે અત્યારથી જ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી લોકોનો ભરોસો જીતવા માટે વિવિધ પગલાંઓ લઈ રહ્યા છે. ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને જનસંપર્ક કાર્યક્રમો યોજી લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ કાર્યમાં તેઓ સફળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે, કારણ કે જનતા હવે સજાગ છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી પણ લોકો વચ્ચે જઈ અનેક વાયદાઓ કરી રહી છે. પક્ષના વર્તુળો જણાવે છે કે તેમનો સૌથી મોટો પડકાર અને જ્યાં તેઓએ વધુ મહેનત કરવાની છે તે ભાજપ પક્ષ સામે છે. કોંગ્રેસને ડૂબતું જહાજ ગણાવતા આ વર્તુળોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ સાથે તેમની લડાઈ પહેલા પણ નહોતી અને આજે પણ નથી, કારણ કે કોંગ્રેસ અંદરો-અંદરની લડાઈમાં જ ખતમ થઈ ગઈ છે. આમ, રાજકોટમાં હવે મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું ગણિત મંડાવા લાગ્યું છે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાનો ગત કોર્પોરેશન ચૂંટણીમાં લોકોએ જે ભરોસો મૂક્યો હતો, તે આ વખતે પણ જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપવા માટે પક્ષ દ્વારા આપ દ્વારા અત્યારથી દરેક વોર્ડમાં તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યાનું ચિત્ર જોવા મળે છે.
૧૮ વોર્ડની ૭૨ બેઠકો પર ચૂંટણી લડવા પક્ષ તૈયાર!
મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે આપના ઉમેદવારો લોકો વચ્ચે જતા ત્યારે લોકો ભલે પ્રતિસાદ ન આપતા, પરંતુ સતત જનહિતના પ્રશ્નો ઉઠાવવાના પરિણામે આજે પક્ષ ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. જનતામાં એવી ચર્ચા છે કે તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેથી કંટાળ્યા છે અને પરિવર્તન ઈચ્છે છે. ત્યારે આપનું પલડુ ભારે બને ખરા? જો કે આવી શકયતા વાસ્તવમાં ખૂબ ઓછી દર્શાય છે.
ચૂંટણી પરિણામોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
આપનો સૂર એવો જોવા મળે છે કે ચારેકોર ગેરરીતિના રાફડા ફાટયા છે ત્યારે સામાન્ય જનતાનું કોણ? હાલ પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન સંયુક્ત રીતે યોગ્ય ઉમેદવારોની પસંદગી થઇ રહ્યાનું ચર્ચામાં છે. તમામ ૧૮ વોર્ડમાં જનસંપર્ક શરૂ કરી દેવાયો છે અને ટૂંક સમયમાં જ આપ પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરી દયે તો નવાઇ નહિ.
(3:20 PM IST)










