તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
રાજકોટમાં ત્રણ દિવસ ‘નો ડ્રોન ફલાય ઝોન' જાહેરઃ જંગલેશ્વરમાં ડિમોલિશનને પગલે પોલીસનો નિર્ણય
પોલીસ કમિશનરે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જાહેરનામુ બહાર પાડયું: ૨૩ના રાતના ૧૨થી ૨૫ના ૧૨ સુધી અમલઃ સ્પેશીયલ શાખાના પીઆઇ જી.આર. ચોૈહાણે વિગતો જણાવી

રાજકોટ તા. ૨૧: શહેરના જંગ્લેશ્વર વિસ્તારમાં આગામી સોમવારે તા. ૨૩થી ૨૫ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સંવેદનશીલ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સમગ્ર શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગને મળેલી બાતમી અને સુરક્ષા સમીક્ષા મુજબ, ડિમોલિશન જેવી મોટી કાર્યવાહી વખતે દેશવિરોધી સંગઠનો કે તોફાની તત્વો રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્ટર અથવા નાના એરક્રાફ્ટ (Sub-conventional Aerial Platforms)નો દુૂિપયોગ કરી જાહેર જનતાની સુરક્ષાને હાનિ પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આ ભયને ધ્યાને રાખી સુરક્ષાના આગોતરા પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે. જાહેરનામા મુજબ આ સાધનો ઉડાડવા કે તેનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ રહશે. જેમાં રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન અને ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ અને માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર અને પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ સહિત સામેલ છે.
આ જાહેરનામું તા. ૨૩ના રાતના ૧૨થી ૨૫ના રાતના ૧૨ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના તમામ વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે. જો કે પોલીસ વિભાગ, સુરક્ષા દળો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર કામગીરી માટે વપરાતા સાધનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસ કમિશનરના આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ કાર્યવાહી થશે. તેમ સ્પેશીયલ શાખાના પીઆઇ જી. આર. ચોૈહાણે જણાવ્યું હતું.
(3:21 PM IST)










