News of Sunday, 22nd February 2026
રાજકોટના મવડી પાળ રોડ પર બંધ કારમાંથી યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળતા ચકચાર: બે દિવસથી લાશ પડી હોવાની આશંકા
ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે પાર્ક કરેલી કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા મામલો બિચક્યો: તાલુકા પોલીસે તુષારભાઈ ઝાલાવડીયાના મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા તપાસ તેજ કરી

રાજકોટ:શહેરના મવડી વિસ્તારમાં આવેલા પાળ રોડ પર આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગોલ ટ્વીન બિલ્ડિંગની સામેના રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક બંધ કારમાંથી ૪૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, મવડી પાળ રોડ પર છેલ્લા બે દિવસથી એક કાર બિનવારસી હાલતમાં પડી હતી. રવિવારે આ કારમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા કારની અંદર એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ લાશ કારમાં છેલ્લા બે દિવસથી પડી હોવાને કારણે કોહવાઈ ગઈ હતી અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી.
મૃતકની ઓળખ:
પોલીસ તપાસમાં મૃતક યુવાનની ઓળખ તુષારભાઈ કેશવભાઈ ઝાલાવડીયા (ઉંમર વર્ષ ૪૦) તરીકે થઈ છે. તેઓ રાજકોટના પાટીદાર ચોક પાસે આવેલા કોપર હાઈટસમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. યુવાનનો મૃતદેહ બંધ કારમાંથી મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
પોલીસ કાર્યવાહી:
આ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ અજાગીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને આપઘાત કર્યો છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મોતનું સચોટ કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે કોપર હાઈટસ અને મવડી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
(10:13 PM IST)










