<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

૧૪મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટનો ધમાકેદાર પ્રારંભ

રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ સીટી પોલીસ એન્‍ડ જયોતિ ચેલેન્‍જર કપમાં કુલ ૧૩ ટીમો મેદાનમાં : પ્રથમ મેચમાં વાયસીસી કલબનો વિજય : ૧ માર્ચ સુધી ટુર્નામેન્‍ટ ચાલશે

રાજકોટ : ગુજરાત રાજ્‍યમાં અને પોલીસ વિભાગમાં ફૂટબોલ સહિતની રમતોના ઉત્‍થાન અને પ્રોત્‍સાહનના ઉદ્દેશ્‍ય સાથે રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે જયોતિ સી.એન.સી.ના આર્થિક સહયોગથી ૧૪મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટનું આયોજન રેસકોર્ષ રીંગ રોડ સ્‍થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે કરાયુ છે. તા.૧ માર્ચ સુધી ચાલનાર આ ટુર્નામેન્‍ટનું ઉદ્દઘાટન  પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જ્‍યોતિ સી.એન.સી.ના ડિરેક્‍ટર વિક્રમસિંહ રાણા, સરગમ ક્‍લબના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળાની વિશેષ ઉપસ્‍થિતી રહી હતી. એહસાસ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ કૌશિકભાઈ સોલંકી, નિચ્‍ચલભાઈ સંઘવી, શ્રી ડિસોઝા અને અતિથિ વિશેષ સ્‍થાને પૂર્વ આર.ટી.ઓ ઓફિસર આર. વી. શાહે ફુટબોલને કીક મારી, બલુન રિલિઝીંગ સેરેમની દ્વારા ફુટબોલ ટુર્નામેન્‍ટનું વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. તેમજ મેચના ખેલાડીઓ સાથે હાથ મિલાવી શુભકામના પાઠવીને તેઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. આ ટુર્નામેન્‍ટનો શુભારંભ સિટી પોલીસ રાજકોટ અને વાય.સી.સી. ક્‍લબ રાજકોટની ટીમ વચ્‍ચે રસાકસીભર્યા મેચથી થયો હતો. મેચના ફુલ ટાઈમમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી, તેથી પરિણામ માટે ટાઈ બ્રેકરમાં બન્ને ટીમને આપવામાં આવેલી પાંચ-પાંચ પેનલ્‍ટીમાં વાય.સી.સી ક્‍લબની ટીમનો ૪-૧ સ્‍કોરથી વિજય થયો હતો. વાય.સી.સી. કલબના ખેલાડીઓ યુગ નથવાણી, હિતાંશુ ભટ્ટ, મહેશ સોની, અભિજીત ચૌહાણે ચાર  ગોલ કરી ટીમને વિજયી બનાવી હતી. જ્‍યારે સીટી પોલીસની ટીમના ધાર્મિક ગજ્જરે એક ગોલ કર્યો હતો. આ મેચના અંતે ગુજરાત  અન્‍ડર ટવેન્‍ટી ટીમના મુખ્‍ય કોચ એન્‍ટોનિઓ પરેરાના હસ્‍તે મેન ઓફ ધ મેચનું બિરુદ પ્રાપ્‍ત કરનાર સીટી પોલીસ રાજકોટની ટીમના ગોલ કીપર ઋષિ હરખાણીને ઈનામ આપવામાં આવ્‍યું હતું. સાત દિવસ ચાલનારી આ ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૩ ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્‍ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે નિઃશુલ્‍ક રહેવાની સુંદર વ્‍યવસ્‍થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ રેષકોર્સ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે આ ડે એન્‍ડ નાઇટ ટુર્નામેન્‍ટ નિહાળવા આવતા દર્શકો માટે લાઈટિંગ અને બેઠકની સુચારુ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. આ ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ગુજરાત ફુટબોલ એસોસિએશનના માન્‍યતા પ્રાપ્‍ત રેફરી નિર્ણાયકની ફરજ નિભાવશે તથા અનુભવી અને પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સુચારુ સંચાલન કરવામાં આવશે. ગત તમામ વર્ષોની માફક આ વર્ષે પણ જ્‍યોતિ સી. એન સી ઓટોમેશન લી. મેચના મુખ્‍ય સ્‍પોન્‍સર છે.

  તેમજ અન્‍ય દાતાઓમાં ઓર્બીટ બેરિંગ્‍સ ઇન્‍ડિયા પ્રા.લિ., પેલિકન રોટોફ્‌લેક્‍સ પ્રા. લિ., રોલેક્‍સ રિંગ્‍સ લિ., રવિ ટેકનોફોર્જ પ્રા. લિ., વિક્રમ વાલ્‍વસ પ્રા. લિ., મીરા કાસ્‍ટિંગ, એન્‍જલ પંપ પ્રા. લિ. જેવી નામાંકિત કંપનીઓનો ઉદારભાવે આર્થીક સહયોગ સાંપડયો છે. આ સમગ્ર ફુટબોલ ટુર્નામેન્‍ટના સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્‍ચના ડી.સી.પી શ્રી જગદીશ બાંગરવા , જ્‍યોતિ સી.એન.સી.ના  વિક્રમસિંહ રાણા, કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફુટબોલ એસોસિએશનના હોદેદારો ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, રોહિતભાઈ બુંદેલા, એહસાસ ટ્રસ્‍ટના નિヘલભાઈ સંઘવી તેમજ સિનિયર ખેલાડીઓ શ્રી ડિસોઝા, રાજુભાઈ, દિપક યશવંતે, જીણાભાઇ અને વાયસીસીના જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્‍ટ, એહસાસ ટ્રસ્‍ટની ટીમના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:22 PM IST)