તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
જિલ્લા પંચાયતના ઉમેદવારો શોધવા ભાજપે ‘નજર' દોડાવી : પ્રભારીઓના પ્રવાસ
ચૂંટણી આવી, અવનવા ખેલ લાવી, નેતાઓ બોલશે મીઠી વાણી, કરશે અઢળક વચનોની લ્હાણી : પંચાયતો-પાલિકાઓ માટે લાયક કાર્યકરોની ‘કાચી' યાદી બનાવાશે : નિરીક્ષકો સેન્સ લ્યે પછી પેનલો પ્રદેશ ભાજપમાં મોકલાશે

રાજકોટ, તા., ૨૪ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની મુદત ૧૬ માર્ચે પૂર્ણ થાય છે .જિલ્લાની સાથે તાલુકા પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે. કેટલીક નગરપાલિકાઓમાં ચૂંટણી છે. ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ એપ્રિલ કે મે મહિનામાં ચૂંટણી આવે તેવી ધારણા છે. વચગાળામાં પંચાયતો અને પાલિકાઓમાં વહીવટદાર શાસન આવી જશે .સૌરાષ્ટ્રની રાજકીય દ્રષ્ટિએ સૌથી મહત્વની ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની અવિધિસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે .અત્યારે સંગઠનના તાલુકા પ્રભારી અને વધારાના પ્રભારી દ્વારા પોતાને સોંપાયેલ તાલુકાઓનો પ્રવાસ કરી ચૂંટણી લડાવવા લાયક ઉમેદવારો તરફ નજર જોડાવામાં આવી રહી છે. હાલ તાલુકા જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ માટે સંગઠનના જવાબદાર હોદ્દેદારો દ્વારા કાચી યાદી તૈયાર કરી જિલ્લા પંચાયત કક્ષાએ સોંપાશે. ચૂંટણી જાહેર થતાં પૂર્વે થોડા દિવસે અથવા જાહેર થયા પછી પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો મોકલી સેન્સ લેવામાં આવશે. તે સેન્સના આધારે પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે .
રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ બેઠકો પૈકી ગયા વખતે ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળેલ. જાન્યુઆરી ૨૦૨૩ માં કોંગ્રેસના છ સભ્યોએ પક્ષપલટો કરી ભાજપનો રંગ લગાડ્યો હતો. હાલ કોંગ્રેસ પાસે માત્ર છ સભ્યો છે. થોડા સમય પહેલા અનામત બેઠકોનું રોટેશન જાહેર થતાં રાજકીય સમીકરણો ધરખમ રીતે ફરી ગયા છે .પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષ વગેરે નવા સમીકરણ મુજબ મૂળ બેઠક પર ચૂંટણી લડી શકે એમ નથી અથવા બીજે લડવા માગતા નથી .અત્યારના ૩૬ સભ્યો પૈકી અડધાથી વધુ પ્રમાણમાં સભ્યો નવી ચુંટાનાર પાખમાં હશે નહીં .
જિલ્લા પંચાયતની ૩૬માથી ૨૧ બેઠકો બિનઅનામત છે .૧૦ બેઠકો બક્ષીપંચ માટે રહેશે .ચાર બેઠકો અનુસૂચિત જાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જનજાતિ માટે રહેશે. પંચાયતના નવા પ્રમુખનું રોટેશન જાહેર થયું નથી. રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીમાં વ્યક્તિગત પ્રતિભા જ્ઞાતિ અને ભૂગોળના સમીકરણ અનુભવ વગેરે બાબતો ધ્યાને લે છે .સ્થાનિક ચૂંટણીમાં એક એક મત નિર્ણાયક હોય છે .આ વખતે કોંગ્રેસ ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં જંગમાં ઝપલાવવા થનગની રહી છે. ત્રિપાંખીયો જંગ થાય તેવા અત્યારના સ્પષ્ટ સંજોગો છે. ગ્રામીણ ચૂંટણીમાં વિકાસ ઉપરાંત સ્થાનિક મુદ્દાઓ નિર્ણાયક બનતા હોય છે.
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ભાજપના પ્રભારી કક્ષાના આગેવાનોએ પ્રવાસ શરૂ કરી દીધા છે સત્તાવાર રીતે પ્રવાસનો હેતુ ગમે તે હોય પણ બિનસત્તાવાર રીતે ચૂંટણીલક્ષી કવાયત છે .પાર્ટીમાંથી મળેલ નિર્દેશ મુજબ પ્રવાસી આગેવાનો જે તે વિસ્તારમાં ફરી સંભવિત ઉમેદવારોની યાદી બનાવશે. ગઈ ચૂંટણીના અનુભવના આધારે આ વખતની રણનીતિ તૈયાર થશે .અમુક બેઠક સામાન્ય વર્ગની હોવા છતાં ત્યાં અનામત જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી પડે તેવા સંજોગો છે. હાલ તો અવિધીસર પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી નજીક આવતા વિધિવત કામગીરી શરૂ થશે. જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન રહે છે કે પરિવર્તન થાય છે તે તો સમય જ બતાવશે.
(11:32 AM IST)










