News of Tuesday, 24th February 2026
જંગલેશ્વરની મહિલાની સુરત જઇ રહેલી સ્લીપર કોચ બસમાં છેડતીઃ ધક્કો મારી પછાડી દેવાઇ
મુળ યુપીની મહિલા સુરત ભાણેજના બર્થડે નિમીતે જતી હતીઃ પતિએ ગ્રીનલેન્ડ ચોકડીથી બસમાં બેસાડી હતીઃ બે શખ્સે પજવણી કર્યાનો અને લીમડી પાસે પછાડી દીધાનો આક્ષેપઃ પરિણીતા સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૪: જંગલેશ્વર વિસ્તારમાં રહેતી મુળ યુપીની ૩૦ વર્ષની પરિણીતા ગત સાંજે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસમાં બેસી સુરત નણંદના દિકરાનો જન્મ દિવસ ઉજવવાનો હોઇ ત્યાં હાજરી આપવા જતી હતી ત્યારે લીમડી પાસે ચાલુ બસમાંથી તેને ક્લીનરે ધક્કો દઇ પછાડી દેતાં સારવાર માટે દાખલ થઇ છે. પોતાની સાથે છેડતી, પજવણી થયાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ કહ્યું હતું કે અમે મુળ યુપીના વતની છીએ. વર્ષોથી રાજકોટમાં રહીએ છીએ. મારો પતિ કડીયા કામની મજૂરી કરે છે અને મારે સંતાનમાં એક દિકરો છે. સુરત રહેતા મારા નણંદના દિકરાનો જન્મદિવસ આવતો હોઇ તેની ઉજવણી કરવાની હોવાથી હું ત્યાં હાજરી આપવા રવાના થઇ હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી મને પતિએ સ્લીપર કોચમાં બેસાડી હતી. બસ આગળ વધી ત્યારે મારી સીટ પાસે આવીને એક શખ્સ બેસી ગયો હતો અને મારો હાથ પકડી પજવણી કરતાં તેને બીજી સીટમાં જવાનું કહ્યું હતું. થોડીવાર બાદ બીજો શખ્સ આવ્યો હતો જે કદાચ બસનો ક્લીનર હતો. તેણે પણ છેડતી કરી હતી.
આથી મેં આ લોકોને તમારા વિરૂધ્ધ ફરિયાદ કરીશ તેમ કહેતાં લીમડી નજીક બસ પહોંચી ત્યારે મને ઉતરી જવાનું કહેતાં હું ઉતરી નહોતી. બસ ધીમે ધીમે ચાલુ હતી ત્યારે અચાનક મને ધક્કો મારી દેતાં પડી ગઇ હતી અને ઇજા થઇ હતી. દેકારો થતાં લોકો ભોગ થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી અને મને સારવાર માટે ખસેડી હતી. મારા પતિને ફોન કરતાં તે સીધા હોસ્પિટલે આવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લીમડી પોલીસને જાણ કરતાં આક્ષેપો અંગે તપાસ શરૂ થઇ છે. મહિલાને કે તેના પતિને બસ કઇ હતી કયુ ટ્રાવેલ્સ હતું? તેની ખબર નથી.
(2:20 PM IST)










