તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th February 2026
રાજકોટમાં સૂર્યદેવના આકરા તેવરઃ બપોરે પારો ૩૬ ડિગ્રીએ પહોંચતા શહેર ‘હોટ'
ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવી ગરમીનો અહેસાસ; બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાનમાં ઉતરોઉતર વધારો નોંધાતા જનજીવન પ્રભાવિત

રાજકોટ, તા. ર૪ : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઉનાળાના સત્તાવાર આગમન પૂર્વે જ ગરમીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાજકોટવાસીઓએ આકરા તાપનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ પર લૂ જેવો અહેસાસ થતા જ લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે હળવી ઠંડી બાદ બપોર થતા જ ગરમીનો પારો એકાએક ઊંચકાય છે.
આજે બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાન ૩૬ ડિગ્રીએ પહોંચી જતાં ફેબ્રુઆરી માસમાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમીની અનુભૂતિ થઈ હતી. વધતા જતા તાપમાનને કારણે પંખા અને એસીનો વપરાશ પણ વધ્યો છે.
અચાનક વધેલી ગરમીને કારણે શહેરના માર્ગો પર શેરડીના રસના ચીચોડા અને ઠંડા પીણાની લારીઓ પર ભીડ જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે લોકો છાસ, લસ્સી અને અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શકયતા છે, જેના કારણે રાજકોટમાં ગરમીનું જોર હજુ વધશે.
(3:43 PM IST)










