તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
પરિવારની ભાવનાત્મક લાગણીઓનો તંતુ સાધતી ગુજરાતી ફિલ્મ ‘લાગણીનો મેળો' : શુક્રવારથી સીનેમાઘરોમાં છવાશે
શુભ-શ્રધ્ધાની પ્રણય કથા તેમજ પરિવારના સદસ્યો વચ્ચેના પ્રેમની અનુભુતિ જોવા મળશે : લપેટ લપેટ સહિત ચારેક ગીતો ફિલ્મને વધુ સંગીન બનાવે છે કલાકારો કથા પટેલ, આર્જવ ત્રિવેદી અને રૂત્વી પટેલ દ્વારા ફિલમની રોચક વાતો રજુ

રાજકોટ તા. ૨૫ : પરિવારની ભાવનાત્મક લાગણીઓના તંતુને જોડતી ગુજરાતી ફિલ્મ ‘લાગણીનો મેળો' આગામી તા. ૨૭ના શુક્રવારથી સીનેમાઘરોમાં પ્રસારીત થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે આ ફિલ્મના મુખ્ય કલકારોએ મુલાકાત લઇ અઢી કલાકની અવધીમાં સમાવાયેલ કથાનકને વર્ણવ્યુ હતુ.
કવિતાના પાત્રને ન્યાય આપતા કથા પટેલે જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં આમ તો લવ સ્ટોરી છે અને ખાસ કરીને લાગણી શું હોય તે સમજાવવા સરસ પ્રયાસ થયો છે. કવિતાની વાત કરીએ તો એ એક સાહિત્યમાં રસ ધરાવતી છોકરી હોય છે. ખુબ સંવેદનશીલ マદય ધરાવે છે. હંમેશા લાગણીની ઝંખતી રહે છે. પિતા-પુત્ર અને પેઢી વચ્ચેના સંબંધો ઉપર પ્રકાશ પાડવા સરસ પ્રયાસ આ ફિલ્મમાં થયો છે.
આર્જવ ત્રિવેદીએ જણાવેલ કે આ ફિલ્મમાં મે ‘શુભ'ની ભુમિકા કરી છે. જે કોલેજીયન છોકરો હોય છે. પ્રેમમાં પડે છે અને પછી જવાબદારીઓના બંધનમાં બંધાય જાય છે. તકલીફો સહન કરે છે અને છેવટે તેમાથી બહાર નિકળવાના તેના પ્રયત્નો સફળ થાય છે.
સાઉથના અભિનેત્રી અને હવે ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે પદાર્પણ કરી રહેલ રૂત્વી પટેલે જણાવ્યુ હતુ કે મારા માટે આ થોડુ નવીન હતુ. કેમ કે ગુજરાતી ફિલ્મોમાં મે હજુ પ્રવેશ જ કર્યો છે. પણ ખુબ મજા આવી. શ્રધ્ધાનું પાત્ર મે કર્યુ છે. જે શુભ નામના છોકરાને ચાહતી હોય છે. પહેલા તો જુવાનીના પ્રેમમાં ખોવાય જાય છે. પરંતુ લગ્ન પછી સામાજીક બંધનો તેને થોડા મુંજવે છે. પરંતુ ધીરે ધીરે સમગ્ર પરિવાર સાથે તે ખુબ સારી રીતે ગોઠવાય જાય છે. એવી કઇક વાત આ ફિલ્મમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદ આસપાસના શહેરોમાં થયુ છે. ચારેક ગીતો છે. જેમાનું લપેટ લપેટ ગીત જે આદિત્ય ગઢવીએ ગાયુ છે તે સંક્રાંતિના દિવસોમાં લોન્ચ થતા સૌએ ખુબ વખાણ્યુ હતુ. એજ રીતે અન્ય ગીતોને જીગરદાન ગઢવી, કીર્તીદાન ગઢવીએ સ્વર આપ્યો છે.
ફિલ્મનું રાઇટીંગ અશોક ઉપાધ્યાયએ કર્યુ છે. નિર્દેશન રાજન રામગોપાલ વર્માએ સંભાળ્યુ છે. લક્ષ્મી ગણપતી ફિલ્મસ અને સંજય લાલવાણી પ્રસ્તુત તથા રામ ગોપાલ પ્રોડકશનના સહયોગથી બનેલ આ ફિલ્મમાં કથા પટેલ, રૂત્વી પટેલ, આર્જવ ત્રિવેદી ઉપરાંત સંજય ગલસર, હેમાંગ શાહ, અરવિંદ વેગડા, અપ્રતિમસિંહ, સુનિલ વીસરાણી, આકાશ ઝાલા, ભાવિની જાની અને અનંગ દેસાઇ સહીતના કલાકારોએ કલાનો કસબ અજમાવ્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કથા પટેલ, આર્જવ ત્રિવેદી, રૂત્વી પટેલ તેમજ સાથે આર. કે. ઇવેન્ટસવાળા રાજુ કીકાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:21 PM IST)










