તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
ત્રણ બેંકોમાં બે ગઠીયા કેશીયરની નજર ચુકવી રોકડ રકમ ચોરી ગયાઃ એ-ડિવીઝન પોલીસે સકંજામાં લીધા
હું તમને ૨૦૦ વાળુ બંડલ આપુ, મારે હાર બનાવવા ૫૦૦ની નોટો જોઇએ છે...કહી 'કળા' કરી હતી લીમડા ચોક, ભૂપેન્દ્ર રોડ અને સાધુ વાસવાણી રોડની બેંકોમાં બનાવઃ કેશીયર ૫૦૦ વાળી નોટો આપે ત્યારે આ જુની છે, નવી જોઇએ છે કહી નજર ચુકવી બંડલમાંથી નોટો ચોરી લીધી'તી

રાજકોટ તા. ૨૫: શહેરના લીમડા ચોક, ભૂપેન્દ્ર રોડ અને સાધુ વાસવાણી રોડ પર આવેલી ત્રણ અલગ અલગ બેંકમાં બે ગઠીયાએ કેશીયર પાસે જઇ રૂ. ૨૦૦ની નોટના બંડલની સામે ૨૦ હજારની ૫૦૦ની નવી નોટો જોઇએ છે, હાર બનાવવા માટે જરૂરી છે તેવી વાતો કરી કેશીયરોની નજર ચુકવી બે બેંકમાંથી ૧૦-૧૦ હજાર અને એક બેંકમાંથી ૨૦ હજારની ચોરી કરી લીધી હતી. એ-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસમાં આ મામલે ત્રણ ગુના દાખલ થયા હોઇ એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી બે ગઠીયાને દબોચી લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં લક્ષ્મીવાડીમાં રહેતાં અને લીમડા ચોકની ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતાં રીયાબેન વિમલભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. રીયાબેન ૨૦/૨ના સવારે સાડા અગીયાર આસપાસ નોકરી પર હતાં ત્યારે અજાણ્યા શખ્સે આવી મારે રૂ. ૨૦ હજારની ૫૦૦ વાળી નોટો જોઇએ છે, હું તમને ૨૦૦ વાળી નોટો આપુ છું. તેમ કહેતાં રીયાબેને તેને ૨૦૦ની નોટોના બદલામાં ૫૦૦ની નોટો આપી હતી. આ વખતે એ શખ્સે મારે ફ્રેશ નોટો જોઇએ છે, આ તમે આપી એ જુની છે. મારે નોટોનો હાર બનાવવાનો છે તેમ કહી જુની નોટો પાછી આપી હતી. જે રીયાબેને ગણ્યા વગર મુકી દીધી હતી. ત્યારબાદ આ શખ્સ પોતે આપેલી ૨૦૦ની નોટો પરત લઇ નીકળી ગયો હતો. તે ગયા બાદ રીયાબેને હિસાબ ચેક કરતાં ૨૦ હજારની ૫૦૦ વાળી નોટોમાંથી ૧૦ હજારની નોટ ગાયબ જણાઇ હતી. કેમેરા ચેક કરતાં એ શખ્સે નજર ચુકવી પાંચસોની નોટોનું બંડલ પોતાના હાથમાં આવ્યું ત્યારે તેમાંથી નોટો ચોરી લીધાનું દખેાયું હતું.
બીજો બનાવમાં જાગનાથપ્લોટ-૧૨માં રહેતાં મુળ અમરાવતી મહારાષ્ટ્રના અને ભૂપેન્દ્ર રોડની ફેડરલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતાં અમોલ ગજાનન સાતરોઠેની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ૨૧/૨ના રોજ બેંકના કેશીયરના કાઉન્ટર પર એક શખ્સ આવ્યો હતો. કેશીયર જ્યોતિબેનને તેણે પોતાને ૫૦૦ વાળી નોટો જોઇએ છે કહી સામે ૨૦ હજારની ૨૦૦ની નોટો આપી હતી. જ્યોતિબેને ૫૦૦ની નોટો આપતાં તે જોઇને એ શખ્સે આ જુની છે, મારે તો નવી જોઇએ છે તેવી વાત કરતાં તેણીએ ૨૦૦ વાળીનું બંડલ પાછુ આપ્યું હતું. એ દરમિયાન આ શખ્સ નજર ચુકવી પોતાનું બંડલ અને ૫૦૦ વાળી નોટનું બંડલ પણ લઇને ફટાફટ નીકળી ગયો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી.
ત્રીજા આવા બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પર શ્રી વલ્લભ એપાર્ટમેન્ટમાં રહેતાંની આઇસીઆઇસીઆઇ બેંકના બ્રાંચ મેનેજર અમિતભાઇ મનસુખભાઇ ઘેટીયાની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. અમિતભાઇએ જણાવ્યું છે કે ૨૧/૨ના બપોરે બે વાગ્યે હું બેંક ખાતે હતો ત્યારે કેશીયર શિવમ સિંગ ફરજ પર હતાં ત્યારે એક શખ્સ રૂ. ૨૦૦ની નોટનું બંડલ લઇને આવ્યો હતો અને તેણે કેશીયરને પોતાને આ નોટોના બદલામાં ૫૦૦ની નોટો રૂ. ૨૦ હજારની જોઇએ છે તેમ કહેતાં કેશીયરે બંડલ આપ્યુ હતું.
પણ એ શખ્સે નવી નોટો જ જોઇએ તેમ કહેતાં કેશીયરે નવી નોટો હાલ નથી તેમ કહેતાં આ શખ્સ પોતાની ૨૦૦ની નોટનું બંડલ લઇ પછી આવીશ કહી નીકળી ગયો હતો. દરમિયાન અન્ય બેંકમાં આ રીતે એક શખ્સ પૈસા ચોરી ગયાનો વિડીયો ગ્રુપમાં ફરતો થયો હોઇ અમે હીસાબમેળ કરતાં દસ હજારની ઘટ આવતી હોઇ કેેમેરા ચેક કરતાં અજાણ્યો શખ્સ ૫૦૦ની નોટોનું બંડલ કેશીયરે આપ્યું તેમાંથી ૧૦ હજાર સેરવી ગયાનું જણાયું હતું. એએસઆઇ જે. એલ. બાળાએ આ મામલે ગુનો નોંધ્યો છે. ત્રણ અલગ અલગ બેંકમાં આવા એક સરખા બનાવ બનતાં એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બે શકમંદ હાથમાં આવી જતાં તેની પુછતાછ શરૂ થઇ છે. આ ત્રણેય ગુનામાં આ બંને સામેલ હોવાનું જણાયું હોઇ વિશેષ તપાસ બાદ ધરપકડ કરવામાં આવશે. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઈ એસ.એમ. રાણા, એએસઆઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, બી.બી. પરમાર તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ સોનારા, કનુભાઇ બસીયા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, સાગરભાઈ માવદીયા, કરણભાઇ વિરસોડીયા અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજસભાઇ ડેર સહિતની ટીમ વધુ તપાસ કર છે.
(3:34 PM IST)










